Monday, November 30, 2015

Karl Marx- A Game Changer in the world

જી, શબ્દોની તાકાત સમજવા માટે મહાભારત રામાયણ પછી આ વ્યક્તિ સૌથી મોટું ઉદાહરણ છે. માત્ર લખીને જ જગતના અનેક દેશોમાં ક્રાંતિ ફેલાવી, સમૂળગું સત્તા પરિવર્તન આણનાર કાર્લ માર્ક્સ પોતે પણ ક્રાંતિકારી પરંતુ હકારાત્મક વિચારોમાં માનતા હતા.

કાર્લ માર્ક્સ એટલે સામ્યવાદ,એવું જ આપણે ભણ્યા છીએ. પરંતુ, ખાલી સામ્યવાદ એ જ એમનું અંતિમ લક્ષ નહોતું. એક જ વાક્ય આજના યુગમાં ય પ્રસ્તુત છે.

"જ્યાં સુધી સમાજમાં બે ભિન્ન વર્ગો છે,ત્યાં સુધી એમની વચ્ચે સંઘર્ષ ચાલતો રહેશે."

More on Matrubharti App.. keep reading :)

Wednesday, October 16, 2013

મહોબ્બત

'સુનતે હો ચુન્ની બાબુ, એક તવાયફ ઈશ્ક કી બાત કર રહી હૈ, અબ હમે ઇનસે સીખના હોગા કી મહોબ્બત ક્યાં હોતી હે, પ્યાર ક્યા હોતા હૈ, ઈશ્ક કિસે કેહતે હૈ?'

યુવાદિલ અને મહોબ્બત, આ બેય લગભગ પર્યાયવાચી છે. ઓરકુટ-ફેસબુક મિત્ર હિતેશ જોશીની આ નોટ જોઇને તણખો પેદા થાય છે.વાંચીને, અનુભવીને, સમજીને. યાદ રાખજો આ ત્રણેય શબ્દો એના ઓર્ડર મુજબ જ લખ્યા છે. https://www.facebook.com/notes/hitesh-joshi/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%95%E0%AB%81/738379756188192

ઇશ્ક,પ્યાર અને મહોબ્બત આપણી ભાષાના શબ્દો નથી.હા,અનુભૂતિ આખી દુનિયામાં સરખી છે. ત્રણેય શબ્દો નજીક નજીક હોવા છતાય અનુભૂતિના લેવલ પર સ્પષ્ટ રીતે જુદા છે. ખુદા સાથે પ્યાર થાય, એની સાથે ઈશ્ક ફરમાવી શકાય અને એની કાયનાત આગળ ઝૂકીને મહોબ્બત પામી શકાય છે. મહોબ્બત અને મુસ્તફા બેય સમાધિ જેવી સ્થિતિ છે. લાગી ગઈ સો પાર...કુંદન મહોબ્બત છે, એટલે જ ફના થવા તૈયાર છે. ઇશ્ક ફરમાવી શકાય છે,પ્યાર કરી શકાય છે, થઇ જાય છે અને થવા દેવો પડે છે. મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. મહોબ્બત નિહાયત જઝ્બાત સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલે જ દિમાગી ગણતરીઓ ત્યાં પડી ભાંગે છે. 

વિરહ અને મહોબ્બત પાકા દોસ્તાર છે.બેયની મૈત્રી કૃષ્ણ-સુદામા રેખી છે. વિરહ કાચ પાયેલી દોરીની જેમ કાળજે ઘા પાડતો જાય છે. વેઇટ કર્યા કરવાનું, એ ઓનલાઈન આવે ત્યાં સુધી, એ રીપ્લાય કરે ત્યાં સુધી,એ મેસેજ કરે ત્યાં સુધી, એ મિસકોલ મારે ત્યાં સુધી.... અંત નથી, છે તો બસ સાગર જેવડો અમાપ-અફાટ દિલી વિસ્તાર; જેમાં તમે એકલા છો. માથાડૂબ પાણીમાં શ્વાસ ગૂંગળાયા કરે પણ તમારી પર એટલો ભાર છે કે તમે એને ધક્કો મારીને બહાર આવી શકતા નથી. આ સત્ય છે. વરવું કહો તો વરવું, નગ્ન કહો તો નગ્ન અને ગળી ન શકાય એવું કહો તો એમ. પણ મુદ્દો એ જ રહે છે. સફર(હિન્દી)માં સફર(અંગ્રેજી) કરતા જવાનું. અને અમુક મહોબ્બત જીતે છે, ઘણીબધી મહોબ્બત હારી જાય છે. પણ એનાથી એનો જઝબો કે તીવ્રતામાં મામકા-પાંડવા નથી હોતું. ખાડે ગયેલી મહોબ્બત વ્યક્તિને ટોચ ઉપર બેસાડી દે છે કેમકે અંદરથી સળગતી રહેતી ચેતના એને કોલ્ડ બ્લડેડ બનાવી મુકે છે. 

પામી ગયેલી મહોબ્બત ઇન્દ્રધનુષી સપનાઓમાં ખોવાતી જતી વાસ્તવિકતા બની જાય છે. ખટમીઠાં સંસ્મરણો ત્યારે બચકું ભરતા નથી કેમકે એ અંતે તો પ્લેઝર છે, આનંદ છે. (હિતેશ, અહિયાં ધ્યાન રાખજે :) ) બક્ષીએ એકવાર લખેલું કે વહેંચાતો નથી ત્યારે પ્રેમ વિષાદી બની જાય છે. અને વિષાદી પ્રેમ ખતરનાક છે. ત્યાંથી બે ફાંટા પડે છે. એક- ક્રોધનું બોઈલીંગ પોઈન્ટ ત્યાંથી શરુ થાય છે, જેમાં બદલો લઇ લેવાની, દુનિયાને તબાહ કરી દેવાની લાગણીઓ ધધકતી હોય છે. બે- લાઈફનો એક ટુકડો ત્યાં રહી જાય છે.સદાને માટે. બળેલી ચામડી સાજી થાય ત્યારે રહી ગયેલા ડાઘ જેવો. ત્યાં જીવન શોધવું વ્યર્થ છે. ત્યાં જોયા કરવું પણ ભૂલભરેલું છે કેમકે એનાથી દિમાગ અને જીવન બેય બંધિયાર થઇ જતું હોય છે. માટે જિંદગી સિવાય કોઈનેય મહોબ્બત કર્યા જેવી નથી. હા, ચાલતા જાવ અને રાહબર મળે ને ક્લિક થાય તો બેશક એને જિંદગીનો આપેલો બીજો ચાન્સ ગણવો...

પાપીની કાગવાણી:

વહેતા રહેવાનું યાર, જિંદગીની સાથે...

- શશીકાંત વાઘેલા 

Thursday, June 20, 2013

મહા(આળસુ)જાતિ ગુજરાતી

હું,

હા હું એક ગુજરાતી છું. ગુજરાતી હોવાની મારી પ્રથમ લાયકાત એટલે આ જે બહારની વિદેશી કંપનીને સારા પૈસા આપીને લેપટોપ ખરીદેલ છે એના પર વિદેશી કંપનીએ સ્ટાર્ટ કરેલી ગુજરાતી ભાષાના સોફ્ટવેરથી આ ટાઈપ કરું છું. હું ગુજરાતી છું એની બીજી લાયકાત એ કે હું ગમે એ સ્થળે,જ્યાં બસ,ટ્રેઈન,વિમાન,ક્રુઝ જઈ શકે ત્યાં પૂરતા રૂપિયા ઉડાવીને પહોચું છું અને પછી નિરાંતે થેપલા,અથાણાના ડબ્બો ખોલું છું કેમકે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ ને મેં ખરેખર બહુ જ સીરીયસલી લઇ લીધી છે. હું તરત ગણતરીઓ માંડી દઉં છું કે આમાં આપણને કેટલી ખોટ આવશે અને પડતર કેટલું થશે? હું કરકસર કરીને જીવું પણ બહાર ફરવા આવું ત્યારે બેફામ રૂપિયા ઉડાડું.પણ જેવી કોઈ આપત્તિ આવે તો હું સેવા માટે દોડવામાં પહેલો હોઉં.

હજી હમણાં જ ઉત્તરાખંડમાં મારા પાંચેક હજાર સાથીઓ ફસાયા છે.પણ એ અમારા માટે જાત્રાનું સ્થળ છે. મને ટ્રાફિકના નિયમો પાળવામાં પણ આળસ આવે ને આવી જગ્યાએ ફસાયા હોઈએ ત્યારે શું કરવું એની ટ્રેનીંગ લેવામાં પણ. હું અબુધની જેમ ફસાઈ જાઉં છું. મારા રાજ્યમાં પર્વતો બહુ જુજ છે,ને એમાંય મેં એને દારૂ,દુઆના અડ્ડા બનાવી દીધા છે એટલે એ રીતે પણ મેં મારી જનરેશનને કેળવી નથી કે આ માત્ર જાત્રાનું નહિ, ટ્રેકિંગનું પણ સ્થળ છે. કોઈ પણ જગ્યા એ આફતમાં ફસાઈને ઘાંઘો થઈને બીજા બે ત્રણ ને લઈને ડૂબી મરું છું. જંગલોમાં ફરવાની ટેવ અને સતત 'મને તો કમ્ફર્ટ જ ફાવે'ની માનસિકતા એ મારા શરીરને હાડમારીઓ વેઠવા જેટલું સક્ષમ નથી બનવા દીધું.હું માનસિક રીતે મજબુત છું,પણ શારીરિક રીતે પાંગળો છું. જંગલમાં ફરું છું, પણ જાણકારીનો સદંતર અભાવ છે કેમકે વાંચવાની ટેવ જ નથી.અરે, ટીવીમાં પણ રીયાલીટી શો જ ગમે છે મને. 'મેન વર્સીસ વાઈલ્ડ' જેવો પ્રોગ્રામ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે એવી મને ખબર જ નથી.

કસરતી શરીર જોવામાં જ સારું લાગે, એના કરતા પૈસા બનાવવાની કસરત મને વધુ માફક આવે છે. જેને લીધે મેં રીમોટ,સેલફોન અને ચા ની રકાબી રાખી શકું એટલી ફાંદ વિકસાવી છે. આખા ભારતમાં ફાંદ વિકસિત લેવલે હોય એવું માત્ર ગુજરાતમાં જ છે.હઓ..હું ધર્મો/ટ્રસ્ટોમાં કાયમ દાન દીધે રાખું, પણ કેમ્પિંગ/બાઈકિંગ કે ટ્રેકિંગ જેવા સ્પોર્ટ્સ માં હું નહીવત રસ લઉં છું.ટાઈમ નથી યુ નો...મારે તો દિવસના ત્રણ ચાર માવા જોઈએ.સોદા અને સોડા વગર દિવસ જ પુરો ન થાય મારે.

અને પછી ગીરનાર જેટલું શરીર ખડકાય જાય એટલે હું રોજ સવારે જોગર્સ પાર્કમાં હાંફતા હાથીની જેમ દોડું.પરસેવે રેબઝેબ થાઉં એટલે નજીકમાં નીરો પીં ને મદ્રાસી લારી પર મેંદુવડા-ઈડલી-સંભાર 
ઝાપટું.પાછો બ્રેકફાસ્ટ ન પડવો જોઈએ યુ સી...

અને આહાહા,વરસાદી સીઝનમાં હું જરાકેય પ્રિકોશન ન લઈને ગાડી-બાઈક-મોપેડને મીકેનીકને હવાલે કરું અને એ કહે એટલા રૂપિયા ગણી દઉં.અને એ રીપેર કરતો હોય ત્યારે બાજુની લારી પર દાળવડા-મરચા-ભજીયા ઉડાડું.પાંચસો ગ્રામ મારા અને બાકીના કિલો ઘર માટે....

હા,હું એ ગુજરાતી છું , પ્રમાદી છું, પ્રવાસી છું,સાહસી છું...
.
.
.
.
.
.
.
.
.
.
.
..અને સૌથી વધુ આળસી છું....

Monday, May 13, 2013

ભાવનગર- આજ અને આવતીકાલ



ભાવનગર- અખાત્રીજને દિવસે સ્થાપિત શહેર. સૌથી વધુ સર્કલ્સ હોય એવું ગુજરાતનું બીજા નંબરનું શહેર, રથયાત્રામાં શહેરની વસ્તીમાં બીજા 5000 લોકોને ગણતરીમાં લેવા પડે એટલા તૈનાત પોલીસ જવાનોથી ખદબદી ઉઠતું શહેર, રોજ સવારે મોર્નિંગ વોકમાં ચાલતા લોકો સાથે આળસ ખંખેરતું શહેર, પાઉં-ગાંઠીયા ચટણી સાથે દુનિયાભરની સહ્ટાળી ઠોકતું શહેર, સમગ્ર સૌરાષ્ટ્ર પેનિન્સુલામાં સૌથી મોટો શીપ બ્રેકિંગ યાર્ડ હોવા છતાંય સૌરાષ્ટ્રમાં ન ગણાતું સૌતેલું શહેર, ગોહિલવાડ-ભાવેણા-સંસ્કાર નગરી હોવા છતાંય ધોળે દિવસે રેઈપ થતું શહેર, પેન્શનર્સ માટેનું પેરેડાઈઝ અને વિદ્યાર્થી અહીંથી બીજા સીટીમાં જાય ત્યારે એલીયન હોવાનો એહસાસ કરાવે એવું શહેર, શેરડીના રસમાં એક્સ્ટ્રા બરફ નંખાવતું અને પછી ડોક્ટર હાઉસના ચક્કર કાપતું શહેર, લાભુની ચા અને ઘોઘા સર્કલના ‘નીરો’માં પીવાતું શહેર...!!!

શોક્ડ? આ છે ભાવનગરની આજ.એ આજ જે કદાચ અનંત ‘કાલ’માં તબદીલ થઇ શકવાની ક્ષમતા ધરાવે છે. ડર એ છે કે જો આ આજ;કાલ બની જશે તો શું થશે? પણ જેમ દિલમાં ઉઠેલા દર્દની દવા સહેલી નથી એમ જ આવતીકાલની ભયાનક કલ્પના પણ સહેલી નથી. શું છે આ આજમાં? દર પાંચ દિવસે પાણીનો કકળાટ? મ.ન.પામાં કચરા-પાણી-ગંદકીના પ્રશ્ને થતું ‘બંગડી પ્રદર્શન’? સુંદરાવાસ?વિક્ટોરિયા પાર્ક? ચીતરેલી દીવાલો?કલાનું ધામ હોવા છતાંય મુઠ્ઠીભર કલાકારોના જ બનેલા ચોકા? પ્રશ્નો અનંત છે કેમકે જેમ કાલને પીછાણવી સહેલી નથી એમ જ આજને પકડવી પણ સહેલી નથી. બધું ક્યારેય ખરાબ હોતું નથી, સારું હોતું નથી. હા, નજરીયો અને વૃત્તિ ખરાબ સારી હોઈ શકે. આ એ જ શહેર છે જ્યાં સરદાર પટેલ પર હુમલો થયેલો અને આ એ જ શહેર છે જેના મહારાજાએ ‘વન ઇન્ડિયા’ પ્લાન માટે પોતાનું રજવાડું સૌ પહેલા સરદારને જ સમર્પિત કરીને નેશનલ લેવલ પર નોંધ લેવડાવી હતી. વિરોધાભાસ ક્યા શહેરને નથી નડતા? ભાવનગરની આજ એવા લોકોથી ભરેલી છે જેના પર ગૌરવ પણ આવે અને ફિટકાર પણ. મિશ્ર ફીલિંગ્સ તો કોઈ માટે લવ છે કે નહિ એમાંય નડતી હોય છે,આ તો શહેર છે. ચાર્મિંગ ચિંતક શાહબુદ્દીનભાઈ કાયમ કહે છે કે વતનની મહત્તા સમજવી હોય તો એનાથી દુર જવું. વાત મુદ્દાની છે. કેટલા લોકો વતનમાં પાછા ફર્યા? હીરા ઉદ્યોગ તો જાણે વૃંદાવન ત્યજીને ગયેલા કૃષ્ણની જેમ સુરત જતો રહ્યો. અલંગ શિપબ્રેકીંગ યાર્ડનું ભવિષ્ય કેટલા યાર્ડ સુધી દેખાય છે? નવા બંદર, જુના બંદર વચ્ચે અટવાતો મજુર કદાચ કાલે મીઠું ખાઈને ગુજારો કરવાને બદલે સમૂળગું શહેર જ છોડી દે એવું વર્તાય રહ્યું છે. એવું નથી કે આજે આજ આટલી બધી ખરાબ છે. પણ હા,આ આજમાં એક યક્ષ પ્રશ્ન બધાયના મનમાં ઘુમરાઈ રહ્યો છે. શું ભાવનગર એટલું બધું પછાત છે કે કોઈ વિકાસ કરવા જ નથી ઈચ્છતું?કે પછી અહીયાના માઈન્ડસેટ બીજા શહેરોની સાપેક્ષે સદીઓ પાછળ છે? કેમ કોઈ અમદાવાદ-વડોદરા જેવા શહેરોની છોકરી ભાવનગરમાં જન્મેલા અને એનાથી ઇન્ટેલીજન્ટ છોકરાને પરણવા નથી ઇચ્છતી? કેમ અહિયાથી લોકો કમાવા બીજે જતા રહે છે અને પછી વેકેશન ગાળવા ગામડે જતા હોય એમ અહીંયા આવે છે?

વેલ, ફરિયાદો ફરિયાદો ફરિયાદો. આ બધાની વચ્ચે પણ એવા અનેક લોકો છે જે ભાવનગરની ભૂમિમાં ઉગ્યા અને ભાવનગરને ઉજાળતા રહ્યા-ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ. આ આજને અહીં સુધી ઉજળી રાખવામાં ઘણાબધા નામો છે પણ થોડા સાદર ક્ષમા સાથે- રાજકીય ક્ષેત્રે મહારાજા ભાવસિંહજી, મહારાજા તખ્તસિંહજી,મહારાજા કૃષ્ણકુમારસિંહજી,દીવાન સર પ્રભાશંકર પટ્ટણી, કલામાં ‘ચિત્રસ્થ’ કલાગુરુ ખોડીદાસભાઈ પરમાર, નૃત્ય યુનિવર્સીટી સમા શ્રી ધરમશીભાઈ શાહ, ગાયક શ્રી રાજેશભાઈ વૈષ્ણવ, મોહંમદભાઈ દેખૈયા...અને આવા અગણિત લોકો કે જેમણે ભાવનગરની ભૂમિને પોતાના શ્રેષ્ઠતમ વર્ષો આપીને એને ઉજળી રાખી. લેટ્સ કમ ટુ પ્રેઝન્ટ. હવેની પેઢી? એજ ઓર્ડરમાં જોઈએ તો શક્તિસિંહ ગોહિલ, જીતુભાઈ વાઘાણી, કલામાં કાજલબેન મૂળે, નીપાબેન ઠક્કર, મધુકરભાઈ ઉપાધ્યાય,સાયન્સ ક્ષેત્રે ડૉ.પંકજ દોશી.. એ પેઢી પોતાના પુર્વસુરીઓના નકશે કદમ પર ચાલીને નવા અને યુવાનીને છાજે એ રીતે પ્રયોગશીલ રહીને કામ કરી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં ભાવનગરની આવતીકાલ તાંબાવરણી છે. ટ્યુશનપ્રથાના વધેલા જોર સામે શાળાઓ પોતાનાથી થાય એટલું કરી રહી છે. પરંતુ, ક્વોલીટી એડ્યુકેશન હવે બાષ્પ બની રહ્યું છે ત્યારે આ શાળાઓ કે ટ્યુશનનો વાંક કાઢવાનું ભૂલભરેલું છે કેમકે હવેનો વિદ્યાર્થી ફેસબુક જનરેશન છે. બધી માહિતી ઈઝીલી ઇન્ટરનેટ પર અવેઈલેબલ હોવાથી એને સ્કુલે જવું એટલું રોમાંચભર્યું નથી લાગતું. એ કન્ફ્યુઝ્ડ છે,પરંતુ બેઈમાન નથી. એ બીવે છે કેમકે સારી શાળામાં એડમિશન નહિ મળે તો માર્ક સારા આવશે નહિ. આયે દિન ટ્યુશન ક્લાસ ખુલે છે અને એ વધુ ને વધુ કન્ફયુઝ થતો જાય છે. નતીજા- લુઝ બનેલી કેરીયર જે એના ભવિષ્યને ટાઈટ કરી દે છે.

આવી આજ સામે આવતીકાલ કેવી ભાખીશું? વેલ, ભાવનગર માટે એવી માન્યતા છે કે અહીના લોકોને બીજા એક પણ શહેરમાં ફાવતું નથી. આનો જવાબ બીજા શહેરમાં જઈને ત્યાં સેટ થઈને એની સંસ્કૃતિના બની જવું હોઈ શકે? તો એનાથી ભાવનગરને શું ફાયદો? અરે ત્યાં રહીને ભાવનગરના હોવાનું વટ કે સાથ જાહેર કરો અથવા વતન માટે કૈક કરો.કૈક બંધાવો,સેવાના કાર્યો કરો એટસેટરા. દેશથી દુર રહો છો? તો ભાવનગરમાં આવીને વતનની મહેક માણો, થોડા ઉદ્યોગો સ્થાપો કે જેથી તમારા પૈસા કોઈના માટે આશીર્વાદરૂપ બને. અચ્છા, પર્યાવરણ સુધારવું છે? પોતાના મૃત સ્વજનોની યાદમાં બચ્ચાલોગ માટે પાર્ક બનાવો, વૃક્ષો વાવો. અને માઈન્ડવેલ, આ બધા વિચારો આજના છે,જેને અમલમાં મુકવાથી આવતીકાલ અફકોર્સ સુધારશે. આવતીકાલ સારી બને એ માટે કેટલીય સંસ્થાઓ ઓલરેડી કામ કરવા લાગી છે. જેમકે બળવંત પારેખ વિજ્ઞાનનગરી. સાયન્સમાં બાળકોને રસ પડવો જરૂરી છે,એના માટે આયમેક્સ થિયેટર હોવા જરૂરી નથી. લોકો અહીંયા પુષ્કળ વાંચે છે,પરંતુ લાયબ્રેરીની જાળવણીમાં થોડા આળસુ છે. તો એકાદ લાયબ્રેરીને દત્તક લો,મેનેજમેન્ટ સુધારો.પબ્લીકને બધું જોઈએ જ છે,કોઈ આગળ આવે એના કરતા તમે જ આગળ આવો તો આપોઆપ સાથીઓ હાથ મેળવશે. યાદ કરો ગંગાજળિયા તળાવ સફાઈ અભિયાન. મુઠ્ઠીભર લોકો આગળ આવ્યા અને પછી તો ધબધબાટી થઇ જાય એ હદે લોકોએ સાથ આપ્યો. આ સ્પીરીટને સલામ છે,આ વૃત્તિને નમન છે. આ વૃત્તિ,આ સ્પીરીટ માત્ર થોડા લોકો સુધી જ રહે તો આવતી કાલ કેમ સુધરે?

હવે આવે છે થોડા અંગત સપના, જે રાજકોટ ભણતી વખતે ભાવનગર માટે જોવાયા હતા. આ સપના રીયાલીટી બની રહ્યા છે. પહેલા તો અનુષ્કા શર્માના ગાલ જેવા રસ્તાઓ હોય કે જેથી ટ્રાન્સપોર્ટ સેવા ચકાચક રહે. ભાવનગરમાં મોટી મોટી બ્રાન્ડ્સનું આગમન પણ એ સપનાઓનું ભાગ હતું. અદ્યતન હોસ્પિટલ્સ, ટ્રાફિક નીયમન એ બધું સપનાઓનું જ વિશ્વ હતું જે આજે મહદ અંશે સાકાર થઇ રહ્યું છે. પરફેક્ટ સીટી ક્યારેય સંભવી જ ન શકે પરંતુ એ પરફેક્શન પામવાની મથામણમાં ઘણું ઘણું સારું થઇ શકે છે. જેડ બ્લુના શો રૂમની અડોઅડ જ એપલ નો શો રૂમ હોય તો એ ટેકનોલોજીમાં ભાવનગર માટે સારી કાલ છે. અને શો રૂમ જ શું કામ? સામ પિત્રોડા સર આવીને ટેકનોલોજી પર લેક્ચર લે અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી પૂછીને એમને હેરાન કરે તો એ શિક્ષણની સારી આવતીકાલ ગણી શકાય. બિલ ગેટ્સ[માઈક્રોસોફ્ટ] કે લેરી પેજ[ગુગલ] ભાવનગરની કોલેજીસમાં પ્લેસમેન્ટ માટે આવે તો એ આપણું અને વિદ્યાર્થીઓનું પલંગતોડ માર્કેટિંગ/બ્રાન્ડિંગ કહેવાય કે જેનાથી ભાવનગર સદા ઓળખાય અને તો આવતીકાલ ઉજળી કહેવાય. એક બાજુ જૈન મુનીજીની ધર્મસભા ચાલતી હોય અને બીજા હોલમાં વિદ્યાર્થીઓ ટેસ્ટ આપતા હોય એ કાલ બહુ સુહાની છે. સાયન્ટીસ્ટસ્ અહીની વેધશાળામાં સંશોધન કરીને એકાદો ગ્રહ શોધી કાઢીને એને ‘કૃષ્ણકુમારસિંહજી ગ્રહ’ એવું નામ આપે ત્યારે ભાવનગરની ભૂમિ સાયન્સના મામલે વર્લ્ડની આવતીકાલમાં પોતાનું સ્થાન જમાવી શકે. એકાદો મસ્ત ડિઝનીલેન્ડ થીમ પાર્ક હોય જ્યાં બચ્ચાલોગ પોતાની જીન્સ કુર્તીમાં સજ્જ મમ્મીઓને લઈને રમે. ફિટનેસપ્રેમી જનતા અને જનરેશન હોય કે જેનાથી સ્પોર્ટ્સમાં જથ્થાબંધના ભાવે પ્લેયર્સ અને વિનર્સ પેદા થતા હોય. એકાદ બે વિશ્વકક્ષાના ફૂટબોલ સ્ટેડીયમ હોય કે જેનાથી FIFA Cup પણ અજાણ ન હોય. શું ઉમેરવું અને શું બાદ કરવું આ આવતીકાલમાં? પણ હા, કબુલાત જરૂર ઉમેરવાની છે કે આ એક હાડોહાડ ભાવનગરીના છોટી સી આશાવાળા સપના છે. 

આ બધા ઘોડા દોડાવવાનું બહુ ગમે,નહિ? રોઝી રોઝી વિચારો અને એવા જ હસીન સપના. વિચારેશુ કીમ દરિદ્રતામ? પણ એક વાત જરૂર પૂછવી છે આ વાંચનારને, એના અમલીકરણ માટે શું અને કેટલું કર્યું? પેલી જાહેરાતમાં દિયા મિર્ઝા કહે છે ને- I have done my bit. તમે એ bit માટે શું કર્યું? શેવરોલેની ગાડીમાં ફરનાર અને હાથમાં ચાર પાંચ વીંટીઓ પહેરનાર વ્યક્તિ પણ કશાક સારા માટે કન્ટ્રીબ્યુટ કરવા રાજી નથી.શું કામ એવો સવાલ પુછશો તો કહેશે- અરે જવા દો ને યાર.આના કરતા શેરમાં રોકવા સારા. જો હું મારા આંગણાનું ઝાડ કાપી નાખું તો મારે એવી ફરિયાદ કરવાનો બિલકુલ હક નથી કે મારે ત્યાં તડકો સાલો બહુ પડે છે. આ માનસિકતા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવતીકાલ શું, આજની પણ વાતો કર્યા જેવી નથી. હજી પણ ‘એક સોડાના બે ભાગ’ હશે ત્યાં સુધી આવતીકાલ નહિ બદલાય. સવાલ સ્વ-પ્રગતિનો નથી,સવાલ છે વતનની સાથે જોડાયેલી લાગણીનો. માં ગમે એવી કદરૂપી હોય, તોય એણે તમને અત્યાર સુધી આપ્યું છે તો ઈટ્સ યોર ટર્ન નાઉ. સમય પાકી ગયો છે એ વિચારવાનો કે જયારે તમારા સંતાનો તમને પૂછશે કે હે મમ્મી ડેડી, તમે આ સીટીથી આટલા ત્રાસો છો તો કાંઈ કર્યું કેમ નહિ?

જવાબમાં નિરુત્તર રહેવું ગમશે તમને? જો હા, તો આ નિબંધ અને એના શબ્દોની અસર એવી જ થઇ માનજો જેવી એક ફૂંકની આંખની પાંપણ પર થાય. જય ભાવનગર...

પાપીની કાગવાણી:
ભાવનગરની આવતીકાલ કોનાથી બદલાવાની છે કહું?
.
.
- આ લેખ જેના જેના હાથમાં છે એનાથી.           

Friday, November 18, 2011

નુર ઉન અલ્લાહ...!!!

'કિતની ઝબાને જાનતી હો? '

'વો ઝબાન, જો મર્દો કો બેઝુબાન બના દે'

જેબ્બાત...ઔરત કા જલવા બાબુ ભૈયા, ઔરત કા જલવા...જય વસાવડાના શબ્દોમાં કહીએ તો 'સ્ત્રી વિચાર કરતી નથી, પણ પુરુષને વિચારતો જરૂર કરી મુકે છે.' શું ખરેખર એવું છે? Let's have a look.. જગતભરમાં યુદ્ધો થયા એના માટે કા તો સત્તાલાલસા જવાબદાર હતી કા સ્ત્રી...હેલન ઓફ ટ્રોય, દ્રૌપદી, ક્લીઓપેટ્રા વગેરે વગેરે..એવું તે શું છે કે સ્ત્રી માટે પુરુષ આખી દુનિયાને ઉપરનીચે કરવા તૈયાર થઇ જાય છે? કદાચ આ ઉત્ક્રાંતિએ શીખવ્યું હશે. પણ આજે વાત કરવાની છે એક એવા ફ્નકારની કે જેને ખુદા એ ચીન્ધેલું કલાનું માધ્યમ સાંગોપાંગ ઉતરી ગયું છે, ફનકાર તો અંધારા અજવાળાની પેલે પાર પહોચી ગયા છે પણ એમણે આર્ટની સીમાઓને બેરહેમીથી કચડીને સમગ્ર ભારતીય અધ્યાત્મને વિશ્વફલક પર મૂકી દીધું.    

આર્ટ,મ્યુઝીક,મહોબ્બત બધું સબ્જેક્ટિવ છે,એને ઓબ્જેક્ટીવ બનાવો તો ભવાડા શરુ થાય જ.જે રીતે એ બન્યું છે એને એ રીતે જ જોવાથી વધુ મજો પડે એ નિર્વિવાદ છે. પણ કેટલાક વાંકદેખા લોકો પ્રેમ,કલા અને મ્યુઝીકના નામે 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ' કહીને જ ઠોક બજાકે પોતાનું બધે પ્રસ્થાપિત કર્યા કરે છે. પ્રેમ,કલા અને એ બધું જ કોઈક દિવ્યશક્તિ તરફ લઇ જવાનો માર્ગ છે. પૂછો ગોપીઓને. શ્રી કૃષ્ણ માટે એમને હળાહળ પ્રેમ સિવાય કશું હતું? શ્રીકૃષ્ણ એ પહેલી વાર એ સાબિત કર્યું કે ભક્તિ કે જ્ઞાન સિવાય પણ ત્રીજો માર્ગ છે પ્રભુ સુધી જવાનો.. એ છે પ્રેમ.પ્રભુને ચાહતા શીખો તો એ પણ તમને દિવ્ય પ્રકાશ તરફ લઇ જાય છે. ડીટ્ટો આર્ટ. તમે કોઈ કલામાં,ચિત્રમાં, સ્કલ્પચરમાં, કેમેરામાં ખૂંપી જાવ ત્યારે તમને જે મળે છે એ પણ આનંદ જ છે. ઉપર લખ્યો એ સંવાદ છે મર્હુમ એમ.એફ.હુસૈન એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ 'મીનાક્ષી- ધ ટેલ ઓફ થ્રી સીટીસ'ની. ફિલ્મ અદૃત છે, મ્યુઝીકમાં રહેમાન સિવાય બીજી કોઈ પસંદગી જ ન હોય એ નિર્વિવાદ છે. તબિયત ખુશ થઇ જાય એવું મુવી છે પરંતુ મુખ્ય વાત છે અહીં એમાં રહેલા રંગોની. યેસ્સ, હુસૈન સાહેબે ફિલ્મ નહિ, કેન્વાસને જ બોલતો કર્યો છે. કેટકેટલા રંગો સ્ક્રીન પર પથરાયા કરે અને જરાય આંખને ન વાગે. 

અને મોસ્ટ એડોરેબલ, તબુ. ભારતીય પોશાકમાં એ ધગધગતા સૌન્દર્યને ઉજાગર કરે છે. ફિલ્મમાં કઈ કેટલીય રસઝરતી ક્ષણો છે જેનું પીક્ચરાઈઝેશન એમ.એફ. ના મિડાસ ટચને ઉછળી ઉછળીને દર્શાવે છે. તબુનો રોમાંસ, નવાબ સાબનું મનોમંથન, એનો રાઈટર્સ બ્લોક, 'શબ્દ' ફિલ્મના શૌકતની જેમ રીયાલીટી અને ઇમેજીનેશનની વચ્ચેના પાતળા બ્રીજ પર લંગડી રમતા નવાબ સાબ, સુભાષ ઘાઈની જેમ એમ.એફ.નો ફિલ્મના ચાવીરૂપ સીનમાં આવતો કેમિયો, તબુની લસલસતી હૈદરાબાદી જબાન, ગીતોમાં મહર્ષિ પતંજલિ યાદ આવી જાય એવા રચાતા પોઝ... આ બધું ફિલ્મમાં ઠાંસી ઠાંસીને ભરી દીધું છે હુસૈન એ. એ બહાને ભારતીય સંસ્કૃતિનો ધરખમ વારસો આંખ સામે તરવરે ત્યારે હિન્દુસ્તાની દિલ પુરજોશમાં ધબકે છે અને એક જ સવાલ મનમાં અને સ્માઈલ ફેસ પર તરવરે છે- 'આ માણસ અત્યાર સુધી હતો ક્યાં? આ મીનાક્ષી છે કે મેજીક?' 



આ કઈ ફિલ્મ રીવ્યુ નથી.કે નથી આ લખનાર કોઈ વિવે(બબુ)ચક. અહીં ફિલ્મ જોતી વખતે જે થયું છે એજ બયાન કર્યું છે. ફિલ્મ પૂરી થયા પછી તરત તુર્કી દુબઈ જવાનું થયું. ત્યાં આગળ પણ મન ન લાગ્યું એનું કારણ ફિલ્મે જગાવેલી પારાવાર બેચેની હતી, બેચેની હતી કેટલું બધું જોવાનું-જાણવાનું બાકી રહી ગયાની, વર્લ્ડ આર્ટમાં એમ.એફ.ની ગગનચુંબી પ્રતિભાથી સાવ અજાણ રહ્યાની. એ બેચેની ત્યાં ફરીને ત્યાનું બધું જ જાણવાથી થોડે ઘણે અંશે શાંત થઇ. ઘેર આવીને ફરીવાર ફિલ્મ જોઈ અને ખુદા કસમ, કાયમ નવું જ ડાયમેન્શન મળ્યું છે આ ફિલ્મ જોવાથી....સલામ એમ.એફ.હુસૈન (સોરી દાદા, બે જ હાથ છે..)

પાપીની કાગવાણી:
  
ટાઈટલ જેના નામે છે એ ગીત... એણજોય... http://www.youtube.com/watch?v=_ZqEKyZMook 

Monday, September 19, 2011

God - Believe It or Not...!!!

Camerlengo- Do u biliv in God sir?




Robert - Father, i simply biliv that religion..


Camerlengo- I didn't ask if you believe what man says about God. I asked u if u biliv in God.


Robert- my mind tells me i do'nt undrstand God.




Camerlengo- and your heart?


Robert- tells me i m not meant to. Faith is a gift that i yet to receive.
જાણીતો લાગે છે ને આ સંવાદ?ઈંગ્લીશ મુવીઝ્ના રસિયાઓ અને અઠંગ રીડર્સ માટે આ ડાયલોગ અજાણ્યો નથી.જેને GK વધારવું હોય એ નોંધી લો કે આ ડાયલોગ "એન્જલ્સ એન્ડ ડેમોન્સ "નામની બેસ્ટસેલર નોવેલ અને એ જ નામની બનેલી ટોમ હેન્ક્સની ફિલ્મનો છે.રોબર્ટ એટલે હાર્વર્ડ યુની.નો ભેજું ધરાવતો સિમ્બોલોજીનો પ્રોફેસર રોબર્ટ લેન્ગડન.ફિલ્મ અને નોવેલ,બેય જોવા-વાંચવાલાયક છે એવી પર્સનલ રીમાર્ક છે.મુખ્ય મુદ્દો ફિલ્મ તો નથી જ.,નોવેલ પણ નથી.મુદ્દો છે ગોડનો,એના પર નિર્ભર રહેતા કરોડો લોકોનો,એના અસ્તિત્વને નકારતા ચિંતકો-નાસ્તીકોનો,મંદિરો પર વારે તહેવારે ધક્કામુક્કી કરતા ભાવિકો-શ્રદ્ધાળુઓનો...શું લાગે છે?ડેન બ્રાઉન [એન્જલ્સ એન્ડ ડેમોન્સના રાઈટર] એ ખાલી પૈસા કમાવા માટે જ બુક લખી હશે?કે એનું લખાણ કોઈ ગુઢ,માયાથી સંતાયેલું,ગર્ભિત તત્વ તરફ ઈશારો કરવાનું માધ્યમ છે? ગોડ,ભગવાન,ઈશ્વર,પરમપિતા પરમાત્મા...બહુ બધા નામ છે.પણ કામ?એક જ.બધાય માટે શક્તિના હણહણતા સ્ત્રોત બની જવાનું,આશાનો સંચાર કરવાનો,અંધકારમાં પ્રકાશનું એક કિરણ આપવાનું...ટુંકમાં,લાઈફને ચેતન આપવાનું..ભગત તો પછી થાય છે..હાહા..દરેકને એમ લાગતું હોય છે કે એને ઈશ્વર વિષે સૌથી વધુ ખબર છે,એણે ઈશ્વર વિષે સૌથી વધુ વિચારી લીધું છે.પણ,ત્યાંથી તો એની સંકલ્પનાઓ સ્ટાર્ટ થાય છે.

સદીઓથી માણસને સવાલ થતો આવ્યો છે કે હું કોણ છું?હું કેમ આવો છું?અને એ સવાલે એક સનાતન ખોજ આરંભી.વેદો,ઉપનિષદ વગેરે એ જુદી જુદી વાતો કરીને એક સર્વશક્તિમાન પાવરનાં અસ્તિત્વ વિષે કહ્યું.તોય જગતમાં આ સવાલ હજી ઉભો જ છે કે શું ખરેખર ઈશ્વર છે?નોબડી નોઝ.પણ હા,પુરાવાઓનો પાર નથી એમ તર્કોનો પણ પાર નથી.કોઈ સાળંગપૂરનું ઉદાહરણ આપે તો કોઈ વોલ્કેનિક ઈરપ્શનનું.આખરે ગોડ છે શું?શું એ કોઈ અનલીમીટેડ પાવર્સ વાળો કોઈ માણસ હશે?કે પછી આપણે માણસ છીએ એ પણ એક સપનું છે?સમય પસાર થાય છે કે આપણે દોડીએ છીએ?બધું જ રીલેટીવ છતાય બધુંય તદ્દન અભિન્ન,અળગું.કૈક હાર્મની,કૈક એવું સિંક્રોનાઈઝેશન છે જે આપણા સમયને ગ્લોબલ બનાવે છે,કૈક તો એવું છે જે આપણને એક મોટી ઘટના કે બનાવના સાક્ષી તો કોઈ મહાન કામના આદ્ય પ્રણેતા બનાવે છે.આ બધું લખાયા કરે છે એ શું રીડીંગનો પ્રતાપ છે કે કોઈ અગમ્ય,મિસ્ટીરીઅસ પાવર મારી પાસે લખાવે છે?આ શબ્દો જયારે તમારી આંખો અને તમારા માઈન્ડ સુધી પહોચશે ત્યારે એમાં જે અસર થશે એ કોણ હેન્ડલ કરે છે?કોઈ વક્તા જયારે શબ્દોની માયાજાળ રચીને આપણને મંત્રમુગ્ધ કરે ત્યારે કઈ વસ્તુ આપણને એના તરફ ખેચી રાખે છે?હા,એ છે રહસ્ય.મિસ્ટરી.કૈક છૂપું હોય તો સાલી એના તરફ દોડવાની,એને અનકવર-અનાવૃત્ત કરવાની મજા આવે છે.આ માનવસહજ સ્વભાવછે.કોઈ ગમતી ચુલબુલી ફૂલ ડ્રેસમાં હોય અને વરસાદ આવે ત્યારે ચપોચપ ચોટેલા ડ્રેસને જોવાની મજા એ જ છોકરીને બીકીનીમાં જોવાથી ન આવે.કેમ?ઢંકાયેલું છે એટલે.વાદળોની પાછળ સંતાકુકડી રમતો સુરજ એટલો દઝાડતો નથી કેમકે એ કવર થઇ ચુક્યો છે.ઉઘાડેછોગ કવર થયેલી વસ્તુ જોતી દુનિયા સૂર્યગ્રહણ તૂટે એની નહિ,ડાયમંડ-રીંગ થાય એની રાહ જોતી હોય છે.બંનેની એક અલગ ભાત છે,એક અલગ મિજાજ છે અને એક અલગ સૌન્દર્ય છે.એમ ગોડ અને ડેવિલ અલગ નથી,બેયનું અલગ પાસું છે જે નોંધવું પડે.

પણ મુખ્ય સવાલ ગોડમાં બીલીવ કરવાનો છે.શું કામ કોઈ એમાં બીલીવ કરે?ભલે લોકોએ તેત્રીસ કરોડ દેવતાઓ ગણ્યા હોય,બધાયનું કામ લગભગ સરખું છે.એ કામ છે હિંમત બંધાવવાનું.આ લખનાર ગોડમાં બીલીવ કરે છે કે નહિ એ એને પોતાને નથી ખબર.પણ હા,લોકોની આશા ટકી રહે એ માટે ચમત્કારો થતા એણે જોયા છે.બદલાવાની જરાય આશા ન હોય ત્યારે ચુટકી બજાકે બદલાયેલા સંજોગો એ મગજ બ્લેન્ક કરી મુકેલું છે.કોમન પદ્ધતિ એ છે કે જયારે લોકોએ પોતાનું કામ પૂરું થવાની આશા સાવ જ મૂકી દીધી હોય ત્યારે જ કૈક એવું થાય છે જે એ હારેલા યોદ્ધામાં હિંમતનો નવો સંચાર કરે છે.ઘણા બધાયના અનુભવો આ વાત સાથે ચોક્કસ મેળ ખાતા હશે.શું આ ગોડના અસ્તિત્વ સામે આંગળી ચીંધે છે?નસીબ,ફેટ,લક...આ બધું શું ખરેખર હોય છે?સવાલો ઉત્તર પણ ધરાવે છે અને એક હદ પછી અનુત્તર થઇ જાયછે.
મેઈન વસ્તુ માણસનો અભિગમ છે.તમે ડિપ્રેસ થયા વગર હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરો તો એ ટળી જવાની છે.પણ હા,કોઈ સાથે કરેલી ગદ્દારી,કોઈનું તોડેલું દિલ,કોઈની જોડે કરેલો વિશ્વાસઘાત,કોઈના બુચ મારેલા પૈસા...ટુંકમાં કોઈ પણ ખરાબ વૃત્તિથી કરેલું કામ ત્યારે તો આભાસી વિજય જ બતાવે છે.પણ,અંદરથી એ માણસને કોરી ખાય છે.જે ડાર્કનેસ અંદર છે એને બહારની લાઈટથી દૂર ન કરી શકાય,એના માટે દ્રઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળ જોઈએ."કોન્સ્ટનટાઈન" ફિલ્મ માં કીઆનું રીવ્સ એજ કહે છે."હેલ અને હેવન ક્યાય બીજે નથી.એ હંમેશા આપણી અંદર જ અને આસપાસ જ છુપાયેલા રહેછે."અભિગમ પોઝીટીવ હોવાથી બળ આપોઆપ પેદા થશે.ઈમાનદારી,સચ્ચાઈ,પ્રમાણિકતા આ બધા આદર્શો નથી.રીઅલ વર્લ્ડ સામે ખુમારીથી ઉભા રહેવાના ટેકાઓ છે.એટલે જ સચ્ચાઈના માર્ગે ચાલનારની બરાબરની ફીરકી,ફિલમ બધુંય ઉતરે છે.ભગવાન,ગોડ...આ બધાને યાદ રાખવાથી એક તો નૈતિક હિંમત,આત્મવિશ્વાસ વધે છે અને બીજું એ કે જયારે તમે સફળ થાવ ત્યારે અભિમાન કોસો દૂર રહે છે.રામ કરતા રાવણની તાકાત ઘણી વધુ હતી.પણ નડી શું ગયું?અભિમાન,ઓવર કોન્ફીડંસ.પરીક્ષામાં ઓવર કોન્ફીડંસ રાખનારના માર્ક પણ ધોબીપછાડ જેવા હોય છે.બસ અહી જ ગોડ વિષે થોડું મળે છે.ગોડ છે ક્યાં?અભિમાન ન કરનાર માં,ત્રણ ચાર વર્ષના ખીલખીલાતા હાસ્ય માં,સમુદ્રની લહેરો પર ચાલ્યા જતા વયોવૃદ્ધ કપલમાં,પ્રિયજનની સ્નેહ નીતરતી આંખોમાં,સંતાન માટે ઉજાગરા કરતા માં-બાપોના થાકમાં...

દોસ્તો,ગોડને શોધવા ન જશો,અહિયાં જોઈ જુઓ જરા,ક્યાંક તમારો ગોડ ડોકિયા નથી કરી રહ્યો ને?


પાપીની કાગવાણી : 

શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર?
કુરાનમાં ક્યાંય પયગંબરની સહી તો નથી...જલન માતરી



  



  

Monday, June 6, 2011

Spiritualism માને અધ્યાત્મ માને અંધત્વ

વેલ,હેવી ટોપિક સમજીને જાતને બોર કે ઠળિયા જેવી ન ગણતા,કેમકે આ સબ્જેક્ટ તમારી અંદર પણ છે જ.લોહીની સાથે,વિચારોના ઘૂઘવતા સમંદરમાં વિદ્યમાન છે.હજારો વર્ષોની પરંપરા એ આપણામાં પલાયનવાદ રૂપે એનું ઘડતર આપણા સૌમાં કર્યું છે.આત્મા અમર છે અમર છે અમર છે.મારું શરીર મરી ગયા પછી મારા આત્મા ને શું બેંકમાં ડીપોઝીટ કરવા માટે રાખવાનો છે?જરા યાદ કરો એ સ્થળ,જેને સ્મશાન કહેવામાં આવે છે, સ્ત્રીઓ બાળકો માટે હજી સુધી વર્જિત છે એવા એ ક્ષેત્રમાં કોઈ નજીકના દુરના સ્વજન-મિત્ર વગેરેને બાળવા[હા એમ જ..વેવલાવેડા સિવાયની વાત થાય છે!] ગયા હો છો ત્યારે બળતી ચામડીના લોંદામાંથી હાડકું ખરી પડે છે ત્યારે કયું અધ્યાત્મ,કયું પ્રવચન,કયો બાપુ-બાવો,કયો સંપ્રદાય આડો આવે છે એ જાતને પૂછ્યું છે ક્યારેય?આટલા ક્ષણ-ભંગુર દેહને ઉપવાસો કરી કરીને એટલું નમાલું બનાવી દઈએ છીએ કે આ શરીર મર્દોને બદલે સુંવાળા,પોતાના જ પેશાબમાં થુંકી પણ ન શકનારા, થોડીક ઠંડી વધે ત્યાં બાટલા ચડાવવા પડે એવા ક્યુટ ક્યુટ અમેરિકન દેશી બેબીઝ જથ્થાબંધના ભાવે પેદા કરી દે છે.'બાબાને RO નું જ પાણી પીવડાવવું પડે છે.' હા,કેમકે બાબાને તો ઓલા બાબાની બનાવેલી દેશી દવાની આડઅસર થાય એટલું "બળવાન બોડી" છે.

અધ્યાત્મ કઈ જાદુટોના નથી.એની આયુર્વેદની જેમ ધીમી પણ મક્કમ અસર છે.એ માણસને પહેલા અંદરથી ઠીક કરે છે,પછી બહારથી.જે માણસ અધ્યાત્મ અને ધર્મને મિક્સ કરે છે એના આંટા ઉંધા ફરે છે કેમકે અધ્યાત્મ મનને સ્પર્શે છે જયારે ધર્મ દૈહિક ઉન્નતી તરફ નિર્દેશ કરે છે.એક બાવો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે તમે જ તમારા ઉદ્ધારક બનો,જયારે બીજો બાપુ ડાહી ડાહી શિખામણો આપીને માનસિક ડાયાબીટીસ કરાવી દે છે.સરવાળે,કોઈનું ભલું થતું નથી ને પ્રજા મહ્ઝ ગધેડાની માફક ડફણા વગર માનતી નથી.અહી શેરીના નાકે તમને ઉપનીષદોના નામે કોર્નર પર માવો થૂકીને ઘરમાં જોહુકમી ચલાવતા ખડૂસ વૃદ્ધો પણ મળી રહે છે અને કચરો વાળતી કોઈ દાદી ચુલા અને લાકડાનો કાર્ય કારણનો સંબંધ વગર પૂછ્યે સમજાવી શકે એટલું અધ્યાત્મ સામાન્ય લોકોના લોહીની સાથે દોડી રહ્યું છે.

તેત્રીસ કરોડ દેવતાઓમાંથી દરેક જ્ઞાતિને પોતપોતાના હીરોની મૂર્તિ ઈઝીલી અવેઈલેબલ છે એટલે સમય[/સમસ્યા] આવ્યે પ્રજા શાહમૃગ કરતાય વધુ ઝડપે પોતાનું મોઢું કાન સહીત બોરવેલમાં ખોસી દે છે કેમકે જીભ તો એમેય પહેલેથી બંધ છે ને...અધ્યાત્મ મન શાંત કરે છે,ધર્મ જીભ-હાથ જેવા અવયવો શાંત કરે છે.ગુજરાતી પ્રજાનો મૂળભૂત ધર્મ જો કે પૈસા અને પ્રસિદ્ધિ છે એટલે એટલીસ્ટ એ મામલે આ લોકો ઝનુની તો છે.ફોર અ ચેઈન્જ,ઉપવાસની જેમ એ લોકો ધર્માદો કરી લે છે.[ફોટા ન્યુઝ સાથે જ હો...!] આટલું અધ્યાત્મ જ ખબર છે ભારતની જનતાને..તોય તત્વમસી એ કઈ સીધોસાદો શબ્દ નથી..સમગ્ર પ્રજા કોઈક અદ્રશ્ય તાંતણે બંધાયેલી છે.કોસ્મિક હાર્મની અહીં જીવતા જાગતા માણસો અબુધ રીતે ફોલો કરે છે.વિદેશની ધરતી પર કોઈ ભારતીય મળે ત્યારે તું બેંગોલી,હું ગુજરાતી જેવો અહંકાર 'હું પણ ભારતીય'ના શેઈક હેન્ડમાં ઓગળી જાય છે...અને આ જ મેજીક છે કે ભારતીય અધ્યાત્મ[દરેક અર્થમાં] નેચરને પ્રાધાન્ય આપે છે...પછી એ પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય...ઇટ રીઅલી રોક્સ ડીપલી સમવ્હેર...

પાપીની કાગવાણી:

ક: ત્વં?[તું કોણ છે?] જવાબ= તત્વમસી[તું એ છે.]