Friday, August 27, 2010

રઢિયાળી રાત - ટ્રેનની સફરથી લઈને લાઈફના હમસફર સુધી...!!!

રાત,નિશા,રાત્રી..વગેરે જેવા નામ ધરાવતી આ રાત અંગત રીતે આ નાચીઝ બદ્તમીઝ્ને ગમે છે,બંદાને કોલેજકાળથી રાત્રી-જાગરણની ટેવ પડી છે ને હવે એને દુર કરવાની ઈચ્છા પણ નથી.દિવસ આખો દોડધામ રહેતી હોય એવા નોકરિયાત,ઓફીસવાળાઓ,લેક્ચરર્સ,ટયુશનીયા અને સ્કૂલીયા ટીચર્સ અને ધંધાપાણી લઈને બેઠેલા લોકો માટે રીલેક્સીન્ગનું મીઠું સંગીત લઈને આવે છે તો એજ રાત બીપીઓ,કોલ સેન્ટરવાળા અને મારી જેવા લેટ-નાઈટ લંગુરો માટે શાંતિનો કોલાહલભર્યો સંદેશો લઈને આવે છે.રાતના દોઢ વાગે એટલે કુતરા અને તમરાના ઓરકેસ્ટ્રા શરુ થાય છે.રસ્તો સુમસાન હોય અને બારીની બહાર નજર નાખીએ એટલે વરસાદી ઋતુમાં જીણો ઝરમર વરસાદ થવા માંડેલો જોવા મળે છે.અને જો ત્રાસદાયક સમર હોય તો ઠંડા પવનથી ઉડતી પ્લાસ્ટીકની કોથળીઓ જોવા મળે છે.એજ રાત શિયાળામાં ટાઢને વળગીને જંપી ગયેલી લાગે છે,જાણે કોઈ વેલો આધારને જબરદસ્ત રીતે વળગી રહ્યો હોય!! રાતને તો સ્પેશીયલ ગણીને નવરાત્રીનો જોરદાર ઉત્સવ યોજવામાં આવે છે અને રાતમાં મૌજ-મસ્તીથી રમવા,કુદવા માટે જયાપાર્વતીના,જીવરતના જાગરણ હોય જ છે.કેટલી બધી ફિલ્મો એવી છે જેમાંથી ટ્રેન કાઢી નાખો તો ફિલ્મ જ અર્થ વગરની બની જાય.ધ બર્નિંગ ટ્રેન,બ્રીજ ઓન ધ રીવર ક્વાઈ,જબ વી મેટ,DDLJ,સ્પીડ,લવ આજકલ,આરાધના...લીસ્ટ મોટું છે.યેસ્સ,વાત છે ટ્રેનની સફરની.ટ્રેનની સફર એકલા ઈમ્તીઆઝ અલીને જ ગમે છે એવું નથી.આ દેશમાં કરોડો લોકો ટ્રેનની અંદર મુસાફરી કરતા રહે છે.પણ,વાત રાતની છે એટલે ટ્રેનમાં પણ રાત જોવા જેવી હોય છે.ભારતીય રેલ્વે એવી સરસ છે કે તમને ઘોડિયામાં સુવડાવતા હોય એમ ટ્રેન હાલકડોલક થતી હોય છે એટલે સામાન્ય મેંગો પીપલ તો એમ જ રાતના નવ વાગે એટલે ટ્રેનમાં ઢળવા લાગે છે.નાના બચુડીયાવની રોકકળ ધીમે ધીમે શમવા માંડે છે.ટ્રેનની હાલકડોલક સાથે ઢળેલા માથાઓ તાલ પુરાવતા હલે રાખતા હોય છે.ત્યારે અજાણ્યાનો પડદો નથી રહેતો.બસ,બાજુનો ખભો અને માથું હળવેક રહીને ઢળી જાય છે.આ તો થઇ જનરલ કોચની વાત.ટુ ટીયર,થ્રી ટીયર અને વાતાનુકુલિત શયનયાન શ્રેણી[એસી સ્લીપર કોચ ] વગેરેમાં પ્રાઈવસીના નામ પર લીટરલી પડદો હોય છે.તમારો સેક્શન પડદાથી બંધ થઇ જાય એટલે તમે જાણે દુનિયાથી અલોન અને બાહરી વાતાવરણથી અલોપ થઇ જાવ છો.પછી દરેક એકલા પડેલા માણસની જેમ વ્યક્તિ ભૂતકાળની ફિલ્મ જોવા લાગે છે.[કદાચ એટલે જ ફિલ્મ ઉદ્યોગ આટલો ચાલે છે, હાહાહા ] અમદાવાદથી સિલીગુડી કે કાશ્મીરથી કન્યાકુમારી જેવા લાંબા અંતરની સફર એકલા માણસ માટે સફરિંગ બની જાય છે.ત્યારે એ અલગ અલગ માધ્યમો થી પોતાની જાતને બીઝી રાખે છે.લેપટોપ વિથ ઇન્ટરનેટ,ફ્રી સ્કીમવાળા મોબાઈલ,નોવેલ,લખવાનું વગેરે વગેરે સાધનો એને ઊંઘ આવે ત્યાં સુધી સાથ આપે છે.અને સાથે પેલી ભૂતકાળની યાદો તો હોય જ છે જે એને ક્યારેક સપનામાં પણ પજવે છે.

આ જ રાત ક્યારેક હમસફરના હુંફાળા હગ બનીને દિલને ચપોચપ ચોંટી જાય છે.આ લખનારે તો ઘણી લવ-સ્ટોરીઝ ટ્રેનમાં બનતી અને તૂટતી જોઈ છે,સાંભળી છે,મૂવીઝમાં જોઈ છે.તો આ જ રાતે ફીયાન્સને લગ્નની તારીખો માટે ઉકળેલો જોયો છે.તો આ જ રાત નવા પરણેલાઓ માટે એક ચાદરની અંદર સમાતી હોય છે.ભાગતા પ્રેમીઓ,અંધારામાં વટી રહેલા ઘેઘુર વ્રુક્ષો,પુલ પરથી પુરપાટ જતી ટ્રેનનો વિશિષ્ટ અવાજ,આ બધું નીરવ અને ભેંકાર રાતમાં ધબકતું લાગે છે.દૂર ક્યાંક કોઈ ઘરમાં દીવો બળતો દેખાય ન દેખાય ત્યાં તો પલકવારમાં દ્રશ્ય બદલાઈ જાય છે.ડીટ્ટો લાઈફની જેમ.લાઈફ પણ ભાગતી જ હોય છે.કોઈ ગમતું મળે ન મળે ત્યાં તો પાછળથી ધક્કો મળે છે ને ફરી પાછી સ્પીડ પકડી લેવી પડે છે.પાસ્ટથી પણ આ જ રીતે પીછો છોડાવવો પડતો હોય છે.અને આ જ રાત લાંબી બની જાય છે,કોઈનો જવાબ આવવાનો હોય ત્યારે,કોઈ ઓર્ડર મળ્યો કે નહિ એના ન્યુઝની રાહમાં હો ત્યારે,ઘરેથી ખુશીના સમાચારનો ફોન આવ્યો હોય ને ઘરે જવા માટે હજી બાર તેર કલાકનું છેટું હોય ત્યારે,'હું તને લેવા સ્ટેશન એ આવીશ મારી જાન' આવું ફોનમાં સાંભળ્યું હોય ત્યારે,પહેલી વાર પત્નીને બાળક સાથે લેવા જવાની હોય ત્યારે વગેરે વગેરે પ્રસંગોએ ટ્રેનની સ્પીડ અને તમારા હૃદયની ગતિ એક થઇ જાય છે.તમારું મન ઠંડા પવનથી અને દિલ પ્રિયજનની ભીની-હૂંફાળી યાદથી તરબોળ થતા રહે છે.લાઈફ પણ નદી,ટ્રેન જેવી છે.ગતિમાં રહે ત્યાં સુધી જામો પડે અને સ્થિર હોય તો ગંધાઈ જાય.ત્યારે બારી જાણે ભૂતકાળ તરફ નજર કરાવતું પ્રોજેક્ટર અને કાળી બનેલી રાત એ ફિલ્મનો પડદો બની જાય છે.આગળ કહ્યું એમ,વ્યક્તિ એ લાઈફનો નિર્ણય કોઈનાં જવાબ પર રાખ્યો હોય અને સફર આરંભાઈ હોય ત્યારે આ જ રાત તમારી નજરોને ખેંચીને લઇ જાય છે.જાણે આંખો કોઈનો ચહેરો અંધારામાં ફંફોસે અને જવાબ મળી જાય એવો આશાવાદી પ્રયત્ન થઇ રહ્યો હોય.તોય એ કાજળઘેરી રાતલડી એ સસ્પેન્સ પોતાની અંદર ધરબીને રાખે છે.અને ગુજરાતીમાં 'વહેલા જઈને જે સુવે,વહેલા ઉઠે વીર'ની કવિતાઓ બને છે અને ગવાય છે.વાંધો વહેલા મોડા સુવા-ઉઠવાનો નથી..પણ સવારની જેમ,બપોરની જેમ અને સાંજની જેમ રાતનુંય એક આગવું સૌન્દર્ય છે.એમાય જો ટ્રેનમાં લાંબા અંતરની સફર હોય,તો તો જાણે નશો ચડી જાય ; વગર દારુ એ અને વગર છોકરીના સાથ એ...

પાપીની કાગવાણી : 

બધા જ મુળીયાને સતત અંધકાર જોઈએ છે.
- ડેનીશ લેખિકા આઈચેક ડીનેસન....[ચંદ્રકાંત બક્ષી લિખિત 'સ્ટોપર'માંથી સાભાર] 

            

Friday, August 20, 2010

બક્ષીબાબુ - બર્થડે બ્લાસ્ટ...એક વાંચક ની નજરે

આજે વીસ ઓગસ્ટ.આ તારીખ અચાનક મહત્વની બની ગઈ.એકતો એટલા માટે કે આજે રાજીવ ગાંધી નો બર્થડે છે અને બીજું એ કે આ જ દિવસ ગુજરાતી સાહિત્ય માટે ચિરસ્મરણીય બની ગયેલો છે.યેસ્સ,આજે મારા અને લાખો-કરોડો વાંચકોના ફેવરીટ એવા ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ છે.ઘણા જૂની પેઢીના વાંચકોને બક્ષી 'તોછડો' અને 'વાહિયાત' લાગે છે.એની ભાષા અને એની બરછટનેસ સહન નથી થતી એ લોકોને.હશે,ટેસ્ટ અલગ હોય એ સ્વાભાવિક છે.પણ મારી જેવા યુવાનને જયારે 'શું વાંચવું ગુજરાતી સાહિત્યમાં?' એવો પ્રશ્ન થાય ત્યારે જે જવાબ મળે એ એક જ છે. 'બક્ષી.' સદાબહાર બની ગયેલા થોટ્સ અને વિચારોની તાજગી વાંચતી વખતે ઝકઝોરી નાંખે એ બક્ષી છે,જેને વાંચતી વખતે દિમાગમાં વિચારોના ઝંઝાવાત ઉત્પન્ન થાય એ બક્ષી છે,સાલું કૈક થાય તો છે જ એ લખાણને વાંચતી વખતે.બક્ષી ઘણાને નગુણો લાગ્યો હશે,ઘણાને જુઝાર પણ લાગ્યો છે.મારા હાથમાં જયારે એમનું 'લવ અને મૃત્યુ' નામનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે ઓરકુટ પર બક્ષી વિષે થોડુક વાંચેલું..એમાં રજનીભાઈ અને બીજા મિત્રો જયારે બક્ષી પર ચર્ચા કરે ત્યારે એમ લાગે કે  સાલું આ બક્ષી છે શું?પછી કોમ્યુનીટી જોઈન કરી અને એક પછી એક ફોરમ વાંચતો ગયો અને બક્ષી દિલોદિમાગ પર છવાવા લાગ્યો.પછી જોયું કે બક્ષી સાલી બહુ ઉચી ચીજ છે હો...શું સ્ટાઈલથી ધારદાર લખે છે !!જીંદગીમાં બરછટ માણસો જોયા છે,પણ સુષ્ઠુ લખવાને બદલે ડાયરેક્ટ દિલમાંથી લખનાર લેખકોમાં બક્ષી મોખરે આવે છે અને રહેવાના પણ છે.ક્યારેય ગમતા લેખકોની અંગત જિંદગી તરફ આકર્ષણ રહ્યું નથી.લખાણો જ જે-તે લેખકની પહેચાન તરીકે અપનાવેલા છે.પણ,બક્ષીની હરેક વાત જાણે જાહેર છે એમ લોકો એના સ્વભાવ અને રસ-રૂચી વિષે પણ ચર્ચાઓ કરતા રહે છે.આજે બક્ષી લેખક મટીને આઇકોન બની ગયા છે ત્યારે એમના લખાણો આજે પણ એટલા જ તાજા લાગે છે.આજે પણ મિત્રો જયારે 'આવો યાર-બાદશાહો' કહે છે ત્યારે કૈક થાય છે.બક્ષી -ઈફેક્ટ જેને કહેવાય એવા ફોરમેટમાં આજના લખાયેલા લેખોમાં બક્ષી નથી ડોકાતો.બક્ષીની જેમ લખવાની કોશિશ થઇ છે,પણ બક્ષીનો મેજિકલ ટચ એમાં નથી.બક્ષી ભલે જેવો હોય અંગત જીંદગીમાં,મારી જેવા નાચીઝ રીડર્સ અને ઘણાબધા લેખકોની ભાષા અને સ્ટાઈલ,બક્ષીના લખાણોએ મઠારી છે,બનાવી છે અને બદલાવી છે.આજે કોઈ પણ જયારે કૈક વિવાદાસ્પદ વિધાન કરે ત્યારે બક્ષી યાદ આવે છે.બની શકે કે વિવાદોને જન્મ આપનાર બક્ષી બધાને કડવો લાગ્યો હોય,પણ એના લખાણો અને એના વાંચકો પ્રત્યે એ ઈમાનદાર રહ્યો છે.ઈમાનદારીથી અભિપ્રાય આપનારની વલે કેવી હોય છે એ આજે કોઈને સમજાવવાની જરૂર નથી.એવા સમયે બક્ષી એ જે ચાબુકી સત્યો રજુ કર્યા એ એને વાંચનારને સમજાય જશે.વધુમાં તો શું કહું?એમના જ વાક્ય થી અંત કરું છું.  

સોગઠાંને ચૌપાટથી શું સંબંધ? પાસાનું કામ છે ફેંકાવાનું. પાસાનું કામ છે પડવાનું. પાસાનુ કામ છે એનો ધર્મ બજાવવાનું.           

Tuesday, August 3, 2010

પાવર - સૌથી વધુ વ્યસનીઓવાળું ઓબ્સેશન

સાચે જ આ શબ્દમાં કૈક તો એવું છે જ જે વ્યક્તિઓને પોતાના તરફ ખેચે છે.સત્તા,પદ,પાવર,ઓથોરીટી,સિંહાસન,રાજગાદી...લખતી વખતે પણ થ્રિલ અનુભવાય છે.દુર્યોધનથી માંડીને શકાર સુધીના અને સિકંદરથી લઈને અશોક સુધીના લોકો ચિરકાલીન છાપ એમના આ ઓબ્સેશનને લીધે છોડી ગયા છે.એમને એકહત્થું સત્તા જોઈતી હતી.ચક્રવર્તી પરચમ,સમગ્ર દુનિયા મુઠ્ઠીમાં...વાઉ!!! દરેકને સર્વોચ્ચ પદે બેસવાની દિલી તમન્ના હોય છે.બધા પોતાના હુકમ પર ચાલે અને દુનિયા પોતાના વિચારો મુજબ ચાલે એવું દરેકને ગમતું હોય છે.ઘરથી લઈને ઓફીસ અને ક્રિકેટથી લઈને ઘોડાની રેસ સુધી બધાયને મનમાં એમ જ ચાલ્યા કરતુ હોય છે કે બસ મેં જે વિચાર્યું છે એજ સાચુંપડવું જોઈએ.પણ,જેમ પાવર જીતાડે છે એમ મૌન રહીને હરાવે પણ છે.હિટલર,મુસોલીની,ફ્રાન્સનો રાજા લુઈ સોળમો...વગેરે આના બેસ્ટ ઉદાહરણો છે.જે રસ્તે જીત મળે છે એ રસ્તો જ ક્યારેક ભટકાવી મુકે છે અને પછી અધોગતિ તરફ દોટ મુકાય છે જેમાં માણસ પોતાને મળેલી જીતનું કારણ માત્ર પોતાના વ્યક્તિત્વને ગણવા લાગે છે.એ એ ભૂલી જાય છે કે પોતે જે જીત મેળવી છે એ એકલા નહિ,સહિયારા પ્રયત્નોને લીધે આવી છે.એને મદ કહે છે.અહંકારનો ભાઈ.સાદી ભાષામાં નશો.પાવર એક નશો છે,જે વ્યક્તિના ખૂનમાં ચુપકે સે ભળીને વહેવા લાગે છે અને એને અંદરથી ઇન્સીક્યોર બનાવતો જાય છે.કોઈ મારોય ઘડો લાડવો કરી નાખશે,મને ઝેર ભેળવીને મારી નાખશે તો?એ આ ભયને દૂર કરવા છટપટે છે,ક્રૂર બનતો જાય છે.અને પછી સર્જાય છે ગલત નિર્ણયોની હારમાળા જે એને અધોગતિ તરફ બડી ક્રુરતાથી ફેંકી દે છે.ખીણમાં પડતા દેહની જેમ એ પણ અહીતહીથી જખ્મો મેળવતો જાય છે,ક્યાંક હૈયું ચીરાય છે તો ક્યાંક સમયના તીક્ષ્ણ પંજાના નહોર વાગતા જાય છે.એકલો અટૂલો પડેલો સત્તાધીશ પણ સમયના અટ્ટહાસ્યને સાંભળતો સાંભળતો હાર તરફ પ્રયાણ કરતો રહે છે.શું આ જ દરેક સત્તાધીશોની તકદીર હોય છે?જીત મેળવતી વખતે આવું બધું યાદ નથી રહેતું.કેમકે પેલો મદ એને મર્દ બનાવતો હોવાનો આભાસી અહેસાસ આપતો રહેતો હોય છે.ધીમું ઝેર નસોમાં ક્યારે વહેવાનું સ્ટાર્ટ થઇ જાય છે એની જાણ એને ખુદને નથી થઇ હોતી.છોકરી,દારૂ,સિગારેટ,ઘોડાદોડ,જુગાર...આ બધું પણ સત્તા ની સાથે આવી જ જતું હોય છે.જ્ઞાન અને પાવર-આ બેયની ભૂખ કોઈ દિવસ શમતી નથી,એ વધતી જ જાય છે.જ્ઞાન ઉચે લેતું જાય છે,પાવર પણ ઉચે બેસાડે છે.જ્ઞાન એક જ વસ્તુમાં પાછળ પડે છે.એ છે સત્તા.કહે છે ને કે "સત્તા આગળ શાણપણ નકામું."બસ,આ એક જ ફેક્ટર માં પાવર,ઓથોરીટી ડોમિનેટ કરે છે.દુનિયા ઝૂકતી હૈ,ઝુકાને વાલા ચાહિયે...પણ આ જ દુનિયા તમને ભયથી સલામ ઠોકતી હોય છે,આદરથી નહિ.રામરાજ્ય અને એવા આદર્શ માત્ર પુસ્તકોમાં સારી છે,બહાર તો સત્તા માટે ટાંટિયાખેંચ છે,રેસલિંગની જેમ એકબીજાને ધોબી પછાડ આપવાની ક્રૂર રમત ચાલે છે.મહાભારત એટલે જ "રાજનીતિ" માટે અને ગોડફાધર "સરકાર"માટે પ્રેરણા બને છે.બેયમાં સત્તા માટે ઓબ્સેસીવ બનતા અને ધીરજ ગુમાવતા પાત્રો છે.બધાને બહુ જલ્દી જીતી જવું છે,જલ્દી પઝેશન જોઈએ છે,સત્તાઓ અને સુન્દરીઓનું.રાક્ષસો માટે ઇન્દ્રાણી અને ઇન્દ્રાસન એટલે જ ગમતા ટાર્ગેટ હતા.

આવી જ કથા છે "વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ"ની...સત્તા મેળવવા માટે શોએબ નહિ,સુલતાન બનવું પડે છે.બેય યીન અને યાંગ તત્વોની જેમ એકબીજાની મિરર ઈમેજ છે.બંને બુરા છે,પણ તીવ્રતા અલગ છે.એકને ઈજ્જતથી ધાક જમાવતા જોઈ શકાય છે,બીજો ભય વડે શાંતિ સ્થાપવાનાપ્રયાસો કરે છે.બોલવાને બદલે બંદુક જ તાકતો શોએબ સુલતાન જેવી ધગધગતી આણ ફેલાવવાની મહેચ્છા રાખે છે.આઇકોન હોવા ખોટી બાબત નથી.એને અનુસરવું એ પણ સારી વાત છે.લોકો પોતાના ગમતા ગુણો આવા આઇકોનમાંથી શોધી લેતા હોય છે.એ વ્યક્તિએ આપેલા બલિદાનો અને એના બેઝીક ગુણો ફેન્સ ભૂલી જાય છે કેમકે એમને તો સત્તા,અનલીમીટેડ પાવર જ દેખાતો હોય છે.બાકીની અંદરુની વસ્તુઓ તો એ જ જાણતો હોય છે.પળેપળ અપાતા ભોગ,મગજને સતત અપાતા કસમયના ઝાટકાઓ આ બધું સુલતાન સહન કરે છે,શોએબ નથી સહન કરતો.આમ તો શોએબ એટલે જે સાચો માર્ગ બતાવે એ,પણ અહી એ જ આડા માર્ગે જાય એવી તાસીર ધરાવે છે.બસ,મુંબઈ રાખની જેમ મારી નીચે અને હું ધુમાડાની જેમ એની ઉપર...લોકો મરે કે જીવે,ધાક ફેલાય એટલે પત્યું.આ માર્ગ સુલતાનનો નથી એ એનેય ખબર હોય છે,પરંતુ એને તો સુલતાનનાય બાપ બનીને ફરવું હોય છે એટલે સડકો પર ધ્રુજાવી નાખતી આણ ફેલાવવા બંદૂકને અને બ્યુટીને બેયને જોરદાર વાપરી જાણે છે.બંને જાણે જુના અને નવા જમાનાના અંધારી આલમના બે કાળ બતાવતા પપેટ્સ છે.એક બહારવટ જેવી પ્રવૃત્તિ કરે છે તો બીજો જીદથી અને ઝનૂનથી ડોન બને છે અને સમયની જેમ એના માર્ગમાં આવતા દરેકને- સુલતાનને પણ-ભરખી જાય છે.પાવર આવું જ કરે છે.કોઈનોય થતો નથી અને થવાનો પણ નથી.પાવર,પદ,સિંહાસન આ બધા કાળના ચક્રના આરાઓ છે.સાવ નજીક અને ઊંડા ઉતરીને દેખી શકો તોજ આખી વાત સમજમાં આવે,એ વગર બધું સરખું જ લાગે.

જયારે અંદરનો માણસ શાંતિ અને બહારનો માણસ પાવર ઝંખે,અને ચારે બાજુ લોહીના ફુવારા ઉડતા દેખાય;ત્યારે સમજવું કે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઇ ગયું છે,સત્તાની અધોગતિનું અને વ્યક્તિની લોકપ્રિયતાનું...