Monday, November 15, 2010

મૃત્યુ

મૃત્યુ,મૌત,મરણ....આ બધા જ શબ્દો કશુક સૂચવે છે.કશુક ખોવાયાની,કશુક મૂળ સોતું ઉખડી ગયાની ફીલિંગ જીરવવી મુશ્કેલ છે.આખું જીવન સાથે ગુજાર્યું હોય અને ચંદ મીનીટોમાં એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે મગજ સુન્ન થઇ જવું સ્વાભાવિક છે.બાપથી લઈને બાળક સુધી દરેક વ્યક્તિ કે જેની સાથે એટેચમેન્ટ હોય,એ દુનિયા મુકીને ચાલ્યું જાય ત્યારે મિસિંગની ફીલિંગ લોહીની સાથે દોડતી હોય છે.પાઈરેટ્સ ઓફ કેરેબિયનનો સરસ ડાયલોગ જય વસાવડાએ એમના લેખમાં ટાંકેલો...So,nobody came because they miss me? સ્વજન અને સંતાન,આ બેના મૃત્યુનો આઘાત અલગ હોય છે.તીવ્રતાની દ્રષ્ટીએ બેય અલગ છે.પણ,કોમન એ છે કે બંનેમાં યાદો આંખોમાંથી ટપકવા માંગતી હોય છે.માતા કે પિતા,એ બેમાંથી એક જો જાય,તો વધુ દુ:ખ થાય છે કેમકે જેને સદાય રોલ મોડેલ કરતાય વધુ ગણ્યા હોય એને ફોટામાં જડાય જતા જોવા,તણાઈને દિનચર્યા માં જોતરાવું,મૃત્યુ પામેલી વ્યક્તિની ભાવતી વાનગીઓ મોઢામાં પડતા જ ખાલીપાની ફીલિંગ આવવી,સદાબહાર બની ગયેલા ડાયલોગ્સ-મુવીઝ-વસ્ત્રો આ બધું જોવાથી થતું પીન્ચિંગ...અસહ્ય બની જાય છે.ડીટ્ટો બાળકના કેસમાં પણ આવું બને છે.ઇવન,માતા અને પિતા માટે સંતાન મૃત્યુ પામ્યાનો આઘાત જુદો હોય છે.સ્ત્રી રડી શકે છે,પુરુષ એટલી ઝડપથી નથી રડી શકતો.આ એક મામલે પુરુષ વધુ લાચાર હોય છે.ધીમે ધીમે એ દર્દ યુઝ્ડ ટુ થતું જાય છે.દર્દ સાથે જીવવાની આદત પડતી જાય છે અને આંસુઓ સુકાતા જાય છે.તિથી,તારીખો યાદ રહે છે ને બક્ષી એ લખેલું એમ "ફોટામાં સ્થિર આંખો કોઈ દિવસ બંધ નથી થવાની અને એ સ્વીકારી લેવાનું છે." મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે.પણ,ખાલીપાને લીધે આવતો ઝુરાપો સાલો છાલ નથી છોડતો.ચિરકાળ રહેતી યાદો કાયમ દિલના એકાદ ખૂણામાં ખજાનાની જેમ સચવાયેલી પડી હોય છે અને તક મળે કરંડિયામાંના સાપની જેમ ફૂંફાડા મારતી મનને તરબતર કરી દે છે.મૃત્યુ અને મોન્સુન,આ બે ઋતુ યાદોની હોય છે.સતત વરસતો વરસાદ અને મૃત્યુ પછીનો તન્હા બનેલો રૂમ,બેય ફલેશબેકમાં લઇ જાય છે અને શરુ થાય છે યાદોના ઝંઝાવાત,જેની ગુંગળામણ ક્યારેક ભીંસી નાખે છે.અને બહાર આવે છે ડુસકા,ક્રોધ,ધોધમાર આંસુ અને એ પત્યા પછીનું ચીલ્લાતું મૌન.સાથે મળેલો અને કરેલો પ્રેમ,ઝગડા,નોકઝોંક ત્યારે બાજુ પર રહી જાય છે અને રહે છે પડઘાતા અવાજો અને સ્મૃતીચિત્રો.સ્વજનનું સ્મરણ ત્યારે સતત ધબકતું હૃદયનું અંગ બની જાય છે.કરવું શું ત્યારે?ફાઈટર બનવું પડે છે.સ્પીરીટેડ ફાઈટર બનીને જીવી શકો છો,પણ મુશ્કેલ છે કેમકે આ જ તો સંજોગો છે,બીજાઓને ઝીલી લેવાના અને ઝાલી લેવાના.એક વ્યક્તિ મૂળ સોતા સંબંધોને કાયમ માટે ઉખેડીને ચાલ્યું ગયું છે,બરાબર છે.પણ શું એનાથી જીવતા વ્યક્તિઓને ભૂલી જશો?આસ્ક યોરસેલ્ફ.કદાચ જવાબ મળી જશે.ઝુરપનો અને ખાલીપાનો...

પાપીની કાગવાણી : 

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે...
                                                      -કામિલ વટવા 

Wednesday, November 3, 2010

સત્ય - મનોમંથન કે પિષ્ટપીંજણ?

તબિયત હલાવી દે એવી ધૂમ ખરીદી અને રોનક જોવા મળે છે દિવાળીની સિઝનમાં.અનેકાનેક ચહેરાઓ ચકળવકળ આંખો સાથે કશુક ગોતવા મથતા જોવા મળે છે.હરદ્વાર હોય  કે માણેકચોક,રોનક ધરાવવામાં ગુજરાતીઓ એક્કા છે.બાર્ગેઈન કરવામાં સ્ત્રીઓની હથોટી અને હથોડાગીરી જગજાહેર છે.સમાજની આ વિવિધતા છે.ભારત દેશે તો આ સુત્ર અપનાવેલું છે. Unity in Diversity. વિવિધતામાં એકતા.પાન માવો થુકીને પણ સ્વચ્છતાની વાતો ચરકી શકાય છે અને મૂંગા મોઢે ઝાડું લઈને પણ મંડી પડાય છે,કોમી દંગલમાં મકાનો સળગાવાય છે અને એજ ગલીમાંથી સ્મશાનયાત્રા નીકળે તો આપોઆપ વાહનો રોકી દેવાય છે,જનગણમન સાંભળતા આપોઆપ સાવધાન થવાય છે અને ભગતસિંહની મૃત્યુતિથિ ભૂલાય જાય છે,ટ્રાફિકના નિયમને WTF કહેવાય છે અને માથા ફૂટે ત્યારે ટ્રાફિકના નિયમનને મણ મણની ચોપડાવાય છે....

આ કઈ લવારો નથી.કશુક ખળભળતું ખળભળતું બોલી રહ્યું છે માંહ્યલામાં.આવી બેધારી સમાજરચના તો નહોતી બનાવી આપણે સૌએ.તો પછી ક્યાં કાચું કપાયું?શું માણસ પોતે અધોગતિ તરફ કુદકા મારતો આગળ વધી રહ્યો છે?કે પછી વ્યર્થ નિવેદનબાજીથી જ લોકો સંતોષ લેવા માંડ્યા છે?સાનિયા થી લઈને સોનિયા સુધી લોકો પાસે અલગ અલગ ઓપિનિયન છે અને એ સ્વાભાવિક છે.પણ ડબલ ફેસનો અર્થ શું છે?મહોલ્લામાં કે રોડ પર જતી ચુલબુલી ચીકને જોઇને આંખો વ્રૂઊમ કરતી એના શરીર પર ચોટી જાય છે ને પોતાની બહેન કે ફ્રેન્ડ કોઈ દોસ્ત જોડે વાત કરે એ પણ મંજુર નથી.કેમ?એવું શું આપણે ભૂલી રહ્યા છીએ?એમ એફ હુસૈન ને ગાળો ચોપડનાર મહાભારતના ક્રીએટરની જન્મકથા કા તો ભૂલી જવા માંગે છે કા જાણવા જ નથી માંગતા.સોચ આવી નીચી કેમ થતી જાય છે?ખાલી ઈકોનોમીમાં નહિ,માનસિક લેવલે પણ ગરીબ વધુ ગરીબ બનતા જાય છે અને અમીર વધુ અમીર...સાલો મધ્યમ વર્ગ અહિયાં પણ છે.એને બેય બાજુ લાડવા લેવાની લાલસા છે.ભાડમાં જાય દેશ,આપણે ઓછા કામ છે?અરે યાર,આટલું ઓછું છે કે હજીય દેશ-સમાજ માટે કરીએ?ટાઈમ જ ક્યાં છે યાર?સત્યની વ્હીસલ બોદી થઇ ગયાની કાગારોળ અત્યારની નથી.ગાંધીજીના વખતથી આ બધું ચાલ્યા કરે છે.સત્ય કહેનાર ખાંડાની નહિ, ખાઈની ધાર પર ચાલતો હોય છે.ઓનેસ્ટી હવે એક સોનેરી ખ્વાબ બનતું જાય છે.છોકરો દરેક ગર્લફ્રેન્ડને દિલ ફાડીને પ્રેમ કરશે અને પછી કોઈક સાવ અજાણીને પરણશે,છોકરી ભૂતકાળને એવી હૃદયદ્રાવક રીતે રજુ કરશે કે પતિ બિચારો આર્દ્ર થઈને જ પીગળી જશે,સાસુ વહુ ના ઝગડા માત્ર ઘર નહિ-આજુબાજુ વાળાને પણ ગમવા માંડશે...શું આ ઓનેસ્ટીની નીચતા બતાવે છે?કે નીચતાની ઓનેસ્ટી?સત્ય કેમ આટલું ડાર્ક,આટલું ઝળહળાટભર્યું,આટલું સોનેરી,આટલું કલામય....આટલી મોટી રેન્જ ધરાવતું હશે?બક્ષીએ એકવાર લખેલું,સત્ય શું કાયમ 360 ડીગ્રી જ હોય?શું સત્ય 90 કે 100 ડિગ્રીનું ન હોઈ શકે?શું આ જ સત્યની અંતીમતા છે કે કોઈ એને પામવા જાય ત્યાં સુધીમાં એ ક્ષત-વિક્ષત થઇ જાય? ગાંધી,જિઝ્સ,સોક્રેટીસ...અંતમાં તો જીત્યા જ,પણ અંત સુધીમાં એવા છિન્નભિન્ન થયા કે મૃત્યુ મહાબનાવ ન રહેતા એક ઘટના બનીને રહી ગઈ,જેને અનુયાયીઓએ કલ્પનાના રંગો પૂરી પૂરીને જીવિત રાખી.એ મહાપુરુષોને મૃત્યુ એક રિલેક્સિંગ એકસરસાઈઝ લાગી હોવાની સંભાવના હશે?કે પછી સત્ય એટલે જ ચીર-સ્થાયિત્વ?મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે,અગ્રીડ.પણ,સત્યની અનંતતા મૃત્યુની આજુબાજુ ફરે છે કે  સત્ય એટલે જ મૃત્યુ? રામનામ સત્ય મૃત્યુ ટાણે બોલવાનું શું આ જ પ્રયોજન છે કે સત્યની આભા ડાઘુઓના મનમાં વીંટળાય અને જેથી મૃતદેહને થડકાર વિના ઉચકી શકે?કે પછી મૃત્યુ એક સત્યની તીવ્રતાનું માઈલસ્ટોન માત્ર છે?

સત્ય વિષે ગમે એટલું લખો,એ એનાથી તો પર જ છે.માઈક્રો ઓબ્ઝર્વેશન ગાંધીજીનું છે આ મામલે.એમનું વિધાન માર્ગ આપે એમ છે આમાં. " હું એમ નથી કહેતો કે દરેક માણસ જ્યાં ખોટું જુએ ત્યાં તે દૂર કરવા બંધાયેલો છે.પણ હું ચોક્કસ કહું છું કે તે પોતે ખોટામાં ભાગ નહિ લેવા તો બંધાયેલો છે." શું આ સત્યની ચરમતા છે?ઓનેસ્ટી લાગે એવું વાક્ય છે પણ ખોટું અને સાચું એ નક્કી આપણે તો નથી કરવાના.તો એ નક્કી કેવી રીતે થાય?એની દુરગામી અસરોથી?કે તત્કાલીન અસરોથી?ત્યાં સમય ડોકું મારે છે.એ નિશ્ચિત સ્પીડે વહે છે અને દરેક માણસ એને બદલાવાની દિલી તમન્ના રાખે છે.કદાચ સમય જ સત્યની સૌથી વધુ નજીક હોય છે.સમય એટલે?થોડીક ગમતીલી પળો?થોડીક ભયાનક યાદો?કે પછી થોડા હુંફાળા સંબંધો?કે એમાં કમાયેલી પ્રતિષ્ઠા?કે પછી સમય એટલે થોડી કડવી,થોડી ગરમ,થોડી મદમસ્ત,થોડી કંટાળાવાળી ઘૂટન?ભગવાન ઈશ્વર ખુદા ગોડ બધા લાર્જર ધેન લાઈફ સમયને લીધે બન્યા છે.સમય એમને અસર કરતો નથી એવી માણસની કલ્પના છે.જે હોય તે,સત્યનું સૌથી સરળ રૂપ છે ઓનેસ્ટી,દરેક ગમતી જગ્યા એ અને દરેક ન ગમતી જગ્યા એ પણ...

પાપીની કાગવાણી : 
હું આ નિમિત્તની ફિલસૂફીમાં માનતો નથી. એ પરાજયવાદી દર્શન છે.જીવનમાં દરેક વસ્તુ અને દરેક ઘટનાનું પોતાનું એક મહત્વ છે - એ સમયે અને એ સ્થાને ! જીવનની એક ક્ષણનો અનુભવ પણ નકામો નથી...સમગ્ર જીવનના ઘડતરમાં એક ઈંટરૂપે એ ક્ષણ પણ ક્યાંક ફીટ થઈ હોય છે...! હું વાસ્તવ સ્વીકારી લેવામાં માનું છું.ફિલસૂફીનાં ગુલાબી ચશ્માં પહેરીને જુઓ તો આખી દુનિયા ગુલાબી છે એમ બુદ્ધિથી સાબિત પણ કરી શકાય પણ...આમાં વાસ્તવ એક જ છે...કે ચશ્માંના કાચ ગુલાબી છે! - બક્ષી