Sunday, February 27, 2011

Letter to Best Dost, Feeling lost...

સાલા કમીના,

તને કાયમ યાદ દેવડાવવાનું કે તારો એક દોસ્ત છે? એ દોસ્ત જેની જોડે તે ચા ની કીટલીએ અડધી ચા શેર કરતી વખતે એની પણ ચા ગટગટાવી ગયો હતો, એ દોસ્ત જેની શેરવાની પહેરીને તું કોઈકના લગ્નમાં લાઈનો મારવા ગયો હતો, એ દોસ્ત જેની જોડે ફ્રુટ-સલાડના ગ્લાસ પીવાની હરીફાઈમાં તારે એને હાજમોલા ખવડાવવી પડી હતી, એ દોસ્ત જેને તારી જોડે એક પણ વાત,ઘટના,દુર્ઘટના શેર કર્યા વગર ચાલતું નથી, એને જ તું ભૂલી ગયો? એવો તે કેવો જોબમાં પડી ગયો કે એક SMS કે કોલ કરવા જેટલો પણ ટાઈમ નથી? રખડપટ્ટીથી લઈને રીલેશનશીપ સુધી અને મનીથી લઈને મ્યુઝીક સુધી તે કાયમ સપોર્ટ આપ્યો છે એ બધું ભૂલીને તું સાલા આટલો દૂર જતો રહ્યો? 3 Idiots જોઈને તે જ ફોન કરેલો ને કે "યાર આપડું ગ્રેજ્યુએશન આવું જ હતું કા?" તારા માટે છોકરીઓ જોવાનો બાકાયદા હક છે પણ તું જ આઉટ ઓફ કવરેજ રહે તો થઇ રહ્યા તારા મેરેજ. દિલ અને દોસ્ત માટે ટાઈમ દેવા માટે વિચારવાનું ન હોય. ઇવન,તને ખબર છે કઈ કેટલાય સંબંધો જોડવા અને જાળવવા તારી જરૂર છે? આજે દિલની કસક કહી શકાય-શેર કરી શકાય એવી કંપની નથી, મિત્રો તો મળી રહે છે; દરેક જગ્યા એ મળી રહેતા હોય છે...પણ એ ચાર્મ નથી અનુભવાતો.સંબંધો  કૃત્રિમ કૃત્રિમ લાગ્યા કરે છે. હકની ફીલીંગ પ્લાસ્ટીકી પરત જેવી લાગે છે ત્યારે ઝાકળભીના ગુલાબ જેવી દોસ્તી અને દોસ્ત બેય ક્યાંક ખોવાયાની અનુભૂતિ થાય છે યાર.

યાદ છે તને છેલ્લે આપણે છુટા પડ્યા ત્યારે લાઈફટાઈમ કોન્ટેક્ટમાં રહીશું એવી વાત કરેલી? આજે એક SMS  શું, સાલી ગાળ પણ સામેથી માગીને ખાવી પડે છે. કોઈ તબીયતથી ગાળો દઈને ધાર્યું કરાવતું નથી. કોઈ ફોન કરીને 'તારી મુવી ટીકીટ લઇ લીધી છે ને તારા ક્રિટીકવેડા સાંભળવા તને સાથે નથી લઇ જતા સમજ્યો?' આવું નથી કહેતું. ધાબે પંજાબી ખાતી વખતે જીભે બટકું ભરાય છે ત્યારે તારી યાદ સાથે આંખ ડબડબ થાય છે. જીભડી ચા પીતી વખતે દાઝી જાય ત્યારે પહેલા ગાળ સંભળાતી, હવે નથી સંભળાતી. તહેવારોમાં મળીશું મળીશું ની વાતો થાય છે,મળાતું નથી.અને એની તો ફરિયાદ પણ નથી. ફરિયાદ છે એકલા પડી ગયાની, જીવનસફરમાં ભુલા પડ્યાની, ને કાયમ સાથે રહેતો એ સાથ છૂટી ગયાની...

તને પ્લીઝ કહેવાની જરૂર તો છે જ નહિ..પણ તોય સમજ દોસ્ત, આજે તારી જરૂર છે, ઘણી બધી જગ્યા એ. અભી હમે બહુત કુછ કરના બાકી હૈ..એસે તું ચલા જાયેગા તો કૈસે ચલેગા? નહિ હોગા યે સબ તેરે બીના યાર...    

આ બધું કઈ બધાની સહાનુભૂતિ ઉઘરાવવા નથી લખ્યું.આ એટલા માટે લખ્યું છે કે બધાને ખબર પડે કે ક્યાંક એઓ પોતાના દોસ્તની વેલ્યુ સમજવામાં પાછળ નથી રહી ગયા ને? આઈ મિસ યુ યારા, આઈ નીડ યુ....

Friday, February 25, 2011

Colours of rainbow, Colours of life..."બ્લુ"

આજે વારો છે બ્લુ કલરનો...ફીલીંગ બ્લુ ફીલીંગ બ્લુ...પ્યાર કે સાઈડ ઈફેક્ટસ ફિલ્મનું આ ગીત વિરહની વેદનાથી ભર્યું છે.બ્લુ થોડો ગ્લુમી છે અને મનને વ્યગ્રતાથી ભરી મુકે છે.આકાશમાં રહેલી અનંતતા બતાવતો વાદળી કલર બ્લુનો નાનો ભાઈ છે.હમારા બજાજનો લોગો પણ બ્લુ અને યુવાનોમાં જબરી પોપ્યુલર એવી 'ઓલી ફિલ્મો'નો કલર પણ બ્લુ...બ્લુ એટલે કશીક વિશિષ્ટતા,કશુક નવતર.જેમાં ઝાંકીને તમે ખુદ સાથે આપખુદ નથી બની શકતા.જેની હાજરી કશાક ગુઢ તત્વની તમારા પર રહેલી અસરો સૂચવે છે. વિન્ડોઝ નું સ્ટાર્ટ મેનું જોજો. બધી જ એપ્લીકેશન જે બેઝ ટાસ્કબાર પર ખુલે છે એનો રંગ પણ બ્લુ છે. રાજકોટમાં કોઈ દોસ્તારને વર્ષો પછી મળો ત્યારે "આવ ભૂરા આવ" કહેવાય છે.ફિલ્મોમાં નાઈટ સીન બતાવવા માટે બ્લુ શેડનો ઉપયોગ થાય છે.જોબ માટે ઇન્ટરવ્યું આપવા જતી વખતે પ્લેઈન બ્લુ શર્ટ પહેરવાની મમ્મી સલાહ આપે એમાં શું ઇન્ટરવ્યુઅરની આંખને ટાઢક આપવાનું લોજીક હશે? HTML માં બનેલી લીંક બ્લુ માં દર્શાવવા પાછળ શું કારણ હશે? જાલી નોટો ઓળખવા માટે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વપરાય છે એ પણ કેમ ભુલાય? કશીક લીંક બતાવવા મોટેભાગે બ્લુ કલર વપરાય છે.તાત્વિક રીતે જોવા જાવ તો આપણા વિશુદ્ધ ચક્ર(વાદળી), આજ્ઞાચક્ર(રીંગણી) અને સહસ્ત્રાર ચક્ર(વાયોલેટ) ઉપરવાળા જોડેની લીંક જ દર્શાવે છે ને?

"ફીલીંગ બ્લુ" આવો મેસેજ મળતા જ ખ્યાલ આવી જાય કે સેન્ડરનો મૂડ રાયફલમાં ફસાયેલી ગોળી જેવો થઇ ચુકેલ છે. મીસીન્ગની ફીલીંગ બ્લુ જ હશે કેમકે યાદોનું ઝેર દિલને ભુરુભટ્ઠ કરી દે છે. સાપ કરડીને જતો રહે અને સારવાર ન મળે તો હોઠ ધીમે ધીમે ભૂરા થવા લાગે છે. ડીટ્ટો યાદો અને પ્રિયજનમાં આવું જ...યા રબ્બા,દેદે કોઈ જાન ભી અગર,દિલબર પે હો ના કોઈ અસર...દિલમાં વિરહ અને ગુસ્સાનું ઝેર, મીઠી યાદોનું કડવું ઝેર વહે છે.ને વહે છે પેલા આંસુ, કેમકે ત્યારે કુદરત તો સહારો આપે જ છે,ભલે દિલી સહારો જતો રહ્યો હોય..ત્યારે થતી કસક અને સિસક, કોઈ નથી સાંભળતું.કમબખ્ત દિલ જો તબાહ થાય છે!! તમાશો તો ફીલીન્ગનો,વિશ્વાસનો થયો છે.અને તમાશો ત્યાં સુધી ચાલે જ્યાં સુધી તમે થાકીને ટુકડા ન થાવ.ટુકડા ભેગા કરવા માટે તો ફેસબુકનો હોમપેજ કલર બ્લુ નથી રખાયો ને? જો કે, કરી પણ શું લઈએ કોઈક પોતાનું, કોઈક ગમતું, રમતું રમતું તમારા દિલ જોડે રમી જાય તો? ચીરાયેલા સ્વપ્નાઓ લઈને એમાં કોમ્પ્રોમાઈઝ્ના સાંધા મારવા કરતા સમૂળગું કાપડ ફાડવું ઓછું દર્દનાક હોય છે.

બસ.

પાપીની કાગવાણી:

હિંમત જીને કે લીયે ચાહિયે, મરને કે લીયે નહિ....(રાઝ-2 ડાયલોગ) 


    

Saturday, February 19, 2011

Colours of rainbow, Colours of life..."ગ્રીન"

ગ્રીન,હરિત,લીલો...આહા આહા...વરસાદ પડ્યા પછીનું ધરતીનું સૌન્દર્ય, લહેરાતા પાકવાળા ખેતરો, ગ્રીન ડ્રેસ કે સાડી પહેરેલી યુવતી...બધા એક જ ફીલીંગ આપે છે.શાંતિની.ઠંડકની.એ અલગ વાત છે કે ખાલી આંખને શાંતિ મળે છે...લોન પર ખુલ્લા પગે ચાલવા નીકળતા લોકો આંખને ઠંડક મળે એવું કહેતા હોય છે,જે સરાસર ગલત છે.ત્રીરંગાનો છેલ્લો કલર લીલો છે જે દેશની હરિયાળી(!)નો સુચક છે. દરેક પાંદડાનો રંગ લીલો હોય છે એનું કારણ ક્લોરોફીલ નામનું તત્વ છે.લીલો શાંતિ,સમૃદ્ધિનો સુચક છે. જીવન કે દો પેહલું હૈ,હરિયાલી ઔર રાસ્તા...બોટલ ગ્રીન સાડીમાં રહેલ યુવતીને ઘરેણાની જરૂર લગભગ પડતી નથી.સૌન્દર્યની પરિભાષાને નવી ઊંચાઈ આપે છે લીલો રંગ.જીમેઇલમાં ઓનલાઈન મિત્રો દર્શાવતા સર્કલ્સ લીલા હોય છે. જોધા અકબર મૂવીનું "જશ્ન એ બહારા" સોંગ ઐશ્વર્યાની લીલી ચુંદડી વગર જાણે કે અધૂરું લાગે છે. લાલ રંગ પુરુષ ચિત્ત છે જયારે લીલો રંગ માદા ચિત્ત છે. અને એટલે જ વેલેન્ટાઈન ડે પર બેય કલરનું કોમ્બો ધરાવતા ગુલાબની આપ લે થાય છે. બુધ ગ્રહનું નંગ પન્ના પણ લીલું હોય છે. "લીલા શાકભાજી ખાજે" આવું મમ્મી વારંવાર કહેતી હોય છે. લીલો એટલે વિકાસ,લીલો એટલે ફળદ્રુપતા, લીલો મીન્સ સમૃદ્ધિ, લીલો મીન્સ પોઝીટીવ વિકાસ, લીલો મીન્સ હર્યુંભર્યું, સમસ્ત ક્ષેત્રે વૃદ્ધિ. રંગીનીયતની મજા એટલે "લીલા". સ્વ.આસીમ રાંદેરી સાહેબની "લીલા" પણ કેમ ભુલાય?

વરસાદ હોય કે પ્રેમ, ભીંજાયેલી ધરતી અને સ્ત્રી બેય ફુલ ફ્લેજમાં ખીલે છે. મસ્તીનું પક્વ સ્વરૂપ એટલે જ લીલો રંગ પકડે છે. સૌથી વધુ આકર્ષક હોય છે લીલા રંગની જામનગરી બાંધણી. એ પહેરીને દીકરી કે બહેન રુમઝુમ કરતીક ચાલે ત્યારે આપોઆપ હાથ ઓવારણાની મુદ્રામાં આવી જાય તો એ લાગણી છે અને એટલે સ્વાભાવિક છે. અને આ જ લીલા રંગની હોય છે જેલસી, ઈર્ષા. પોઈઝનનું ચિહ્ન પણ લીલું જ હોય છે. વિશ્વૃત્તિનું સુચક ગ્રીન છે. અને એટલે જ જન્મજાત ઈર્ષાનો ભાવ લઈને જન્મેલી સ્ત્રીઓ પર આ રંગ વધુ સારો દેખાય છે.મોરનું મોરપીંછ પણ કિનારીએ લીલો રંગ ધરાવે છે. સમૃદ્ધિ અંદરુની અસલામતી પણ લાવે છે કેમકે જેનો આરંભ છે એનો અંત પણ છે જ. અને એટલે જ ઈર્ષા એ એની બાહરી પ્રોડક્ટ છે. સમૃદ્ધિ બાહરી જગતના તડકાથી બચાવે છે પણ સતત એની છાયામાં રહો તો એને ઝેર બનતા વાર નથી લાગતી."યાર આ વખતે તો કોલેજમાં કઈ હરિયાળી જ નથી..." આ વાક્યનો અર્થ કોઈ કોલેજીયનને સમજાવવાની જરૂર નથી. ટ્રાફિક સિગ્નલમાં ગ્રીન એટલે અનુમતિ અને માં-બાપનું ગમતા પાર્ટનર માટેનું અપ્રુવલ એટલે પણ ગ્રીન સિગ્નલ. અને એ રીતે એ ઉલ્લાસનું પણ સુચક ખરું. આવી મસ્ત વસંતમાં ગો ગ્રીન યાર...

પાપીની કાગવાણી: 

લાઈફમાં ગ્રીન સિગ્નલ ત્યારે દેખાય જયારે રેડ સિગ્નલ પર ઉભા રહેવાની ખબર પડે... :)                 

Friday, February 11, 2011

Colours of rainbow, Colours of life..."યેલો"

હવેના લીસ્ટમાં પ્રકાશમાં આવે છે પીળો કલર. યેલો યેલો ડર્ટી ફેલો. આ કહેવત કોણે બનાવી હશે એતો નથી ખબર; પણ હા, આ કલર કઈ ખરાબ નથી. બે દિવસ પછી આવતો વેલેન્ટાઇન ડે પ્રેમના ઘોડાપુરમાં ડૂબેલા યુગલોને નવો ઓક્સિજન આપશે ત્યારે બિચારો આ કલર અને એને ધરાવતા પીળા ગુલાબ બિચારા પડ્યા હશે એક ખૂણામાં, એ રાહ જોઈને કે ઓગસ્ટમાં ફ્રેન્ડશીપ ડે ક્યારે આવે. પણ પીળો કલર આ ઋતુમાં ઉડતી અને પરિણામે ક્યારેક માણસોને એકસીડન્ટમાં ઉડાડતી મસીઓ માટે ફેવરીટ છે. પીળા કલરનું ટી-શર્ટ સાંજે પહેરીને નીકળજો ક્યારેક. ભરતકામ કર્યું હોય એમ મસીઓ ભરાય જશે. આપણો સુર્ય પણ પીળા રંગનો સ્ટાર છે. આપણા શરીરમાં રહેલા બીલીરુબીનનો રંગ પણ પીળો હોય છે. કમળો હોય એને પીળું જ દેખાય આ કહેવત ઘણા અર્થમાં વપરાય છે. પેટમાં જેને વાયુ ભરાયો હોય એની હવા કાઢવા માટે પેલી હવાબાણ હરડેની ગોળીઓની શીશી પણ પીળી હોય છે. પીળો મીન્સ પિત્ત. પીળો રંગ હિલર છે. મૂઢ માર વાગ્યો હોય ત્યારે પેલી હળદર ભરવામાં આવે છે. હળદર પણ પીળી અને પરણવા બેઠતા વરને હૈયાધારણ(!) આપવા એના શરીરે ચોળાતી પીઠી પણ પીળી. યુવતીઓ સુંદર ત્વચા માટે પેલા ચણાના લોટથી સ્નાન કરે છે એ લોટ પણ પીળો. એ કબૂલ કે પીળા રંગના ઘણા શેડ્સ આપણે વાપરીએ છીએ. આજકાલ ફ્લોર-ટાઈલ્સ માટે વપરાતો ફેમસ કલર આઇવરી, પીળા રંગનો જ શેડ છે. પીળો બ્રાઈટ કલર છે એટલે ઘેરા રંગોના બેકગ્રાઉન્ડમાં એ ઝળકી ઉઠે છે. પીળો રંગ ઉષ્મતાનું પ્રતિક છે. લાગણીની હૂંફ, તાવની ગરમી, ગરમીનો મધ્યાહન, બળબળતો બપોર..આ બધું પીળા રંગમાં છે. અને એટલે જ ફ્રેન્ડશીપ જેવા હુંફાળા સંબંધ માટે યેલો કલર સ્વીકારાયો છે. આપણા સહુના ફેવરીટ ભગવાન શ્રીકૃષ્ણના પીતામ્બરનો રંગ પણ પીળો છે. સંબંધમાં ઉષ્મા ન હોય તો એ રીલેશન ન રહેતા કર્ટસી બની જાય છે. 

એ ઉષ્મા એટલે? યાર-દોસ્તને રાતે ઉઠાડીને બસ સ્ટેન્ડે બોલાવવો એ? કે પછી કઈ જ બોલ્યા વગર પ્રિયજનને અપલક તાકી રહેવું એ? કે પછી મમ્મીનાં ખોળામાં માથું મુકીને ચુપચાપ સુઈ રહેવું એ? કે પછી પપ્પાને વધુ આરામ મળે એ માટે ડોક્ટરને ખાનગીમાં વધુ આરામનું જ કહેજો હો સાહેબ, નહીતર આ ઉઠીને ઓફિસે ચાલવા માંડશેએવું કહેવું એ? કે પછી ચાની ચુસ્કીઓ લેતા લેતા ગાઢ દોસ્તને હું તો તારા જ પનારે રહીશ જા, થાય તે કરી લે આવું કહેવું એ? આ બધી જ સ્લાઈસ ઓફ લાઈફ દિલની ઉષ્મા છે, હૂંફ છે. શિયાળાની થરથરાવતી ઠંડી પછી નીકળતો સવારનો પીળો તડકો જેટલો મીઠો લાગે, એટલી જ મીઠી આ મોમેન્ટ્સ છે. મીઠે સે યાદ આયા, આપણો પેલો સદાબહાર ટોપરાપાક પણ પીળો અને સોનપાપડી પણ પીળી. રસ્તા પરની સ્ટ્રીટલાઈટમાં સોડીયમ લેમ્પનો પ્રકાશ પણ પીળો અને ઘરે રહેલા 40 વોટના બલ્બનો પ્રકાશ પણ પીળો. ગુસ્સાથી લાલપીળો એવો શબ્દપ્રયોગ ગુજરાતી અને હિન્દી બેયમાં છે. ઈંડામાંથી નીકળતી જર્દીનો રંગ પણ પીળો અને કેસરને દુધમાં નાખો ત્યારે છુટો પડતો રંગ પણ પીળો હોય છે. ફેવીસ્ટીક ગ્લુ ના ઢાંકણાનો રંગ પણ પીળો છે. ભારતભરમાં STD બુથનો રંગ પીળો સિલેક્ટ કરવામાં આવ્યો છે. RTO એ ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓની નંબર પ્લેટનો રંગ પણ પીળો રાખ્યો છે.અને અબોવ ઓલ, ફેસબુક-ટ્વીટર-ઓરકુટ-યાહુ પર હોટ ફેવરીટ એવા સ્માઇલીનો રંગ પણ પીળો છે.ખાવા પીવાના(!) મામલે કેરી,પપૈયો,લીંબુ,આંબા હળદર,મોતીચૂરના લાડુ,બુંદીના લાડુ,મેક્ડોવેલની બોટલનું સ્ટીકર પણ ઘાટું પીળું અને સ્ત્રીઓના ફેવરીટ એવા સોનાના ઘરેણાં પણ પીળા તથા એ લોકો કપડા સૂકવે એની દોરી(વરગણી) પણ ઓલમોસ્ટ પીળી...

આ બધું જ સ્થિરતા અને મધ્યમ ગતિ સૂચવે છે.અને એટલે જ મધ્યાહને તપતો સુર્ય સ્થિર લાગે છે.લાઈફમાં પણ માણસ ક્યારેક સ્થિરતા પકડતો જ હોય છે ને?

પાપીની કાગવાણી:

ટ્રાફિક સિગ્નલની પીળી લાઈટ વાહન ચાલુ રાખવાનું સૂચવે છે,રાઈટ? આ ક્યાંક એવું તો નથી સૂચવતું ને કે લાઈફનો ક્લચ હવે પકડવો પડશે???

    

Friday, February 4, 2011

Colours of rainbow, Colours of life..."ઓરેન્જ"

ગતાંકથી આગળનો કલર એટલે ઓરેન્જ,કેસરી,ભગવો,કેસરિયો...વગેરે વગેરે.અરે એમ તરત ભગવો શબ્દ સાંભળીને અભિપ્રાય ન બાંધતા.કેસરી રંગ આપણા રાષ્ટ્રધ્વજમાં પણ છે અને નામ મુજબના કલર વાળા કેસરમાં પણ.ફાગણ મહિનામાં ખાસ ધુળેટી માટે પ્રચલિત  કેસુડો પણ કેસરીછે.કેસરી શબ્દ આમ તો સિંહ માટે વપરાય છે.સિંહ મીન્સ રાજા.ભગવો રંગ જરા ડાર્ક શેડ છે કેસરી કલરમાં.પણ,એ મોટેભાગે આધ્યાત્મિકતા અને હિન્દુત્વનું પ્રતિક છે.એ માર્ક કર્યું છે કે આ પોસ્ટ જે તમે વાંચી રહ્યા છો એ બ્લોગસ્પોટના મેઈન સિમ્બોલનો રંગ પણ કેસરી જ છે?જી-મેઇલમાં પણ આઈડલ સ્ટેટસ માટે લાઈટ કેસરી કલર છે.કશુક સ્થિર,નક્કર કે પોઝીશન માટે પણ આ કલર છે.રણમેદાનમાં કેસરિયા કરતા નરબંકાઓ માટે આ કલર સિવાય એકેય કલર મેચ નથી થતો.

લોહીમાં દૂધ ભેળવો એટલે કેસરી રંગ બને.લોહી શૌર્યનું અને દૂધ શક્તિનું પ્રતિક છે.અને કેસરી એટલે શક્તિ અને શૌર્યનું ધધકતું મિશ્રણ.ધ અલ્ટીમેટ નીડ.પાવર.આંધળી આંખોનું ધ્યાન ખેંચવા માટે પાવર જરૂરી છે.પાવર ટુ સ્પીક,પાવર ટુ રોર.પીગળેલા લોખંડનો રંગ પણ કેસરી અને પૃથ્વીની કોર(જેના પર ફિલ્મ 'ધ કોર' બનેલી) નો કલર પણ કેસરી.કેસરી જેવી કેડ્વાળો અભિમન્યુ ચક્રવ્યુહમાં ઘેરાયા બાદ કેવો લાગતો હતો એનું વર્ણન પ્રેમાનંદ જ કરી શકે.હનુમાનજીને સિંદુરી રંગ સેવાના પ્રતિક તરીકે ગમ્યો હશે?કેસરી એટલે સાત્વિક,કેસરી એટલે દાસત્વ,કેસરી એટલે સત્તા અને કેસરી એટલે શેરદિલ અંદાઝ.ઉર્ધ્વગતિ કરતી કુંડલીની શક્તિ જે સૌથી પહેલા ચક્રને ખોલે છે એ ચક્ર એટલે આજ્ઞાચક્ર.(FYI: સહસ્ત્રાર ચક્ર એ ઓર્ડર મુજબ પહેલું છે,પણ એને ખોલવા માટે ગુરુ આવશ્યક છે.રેકીમાં એ થાય છે.).આ આજ્ઞાચક્રનો રંગ પણ કેસરી છે.

દીવાની જ્યોતને યજ્ઞ-યાગમાં યજમાનના કર્મ રૂપે ગણીને એનું પૂજન થાય છે.દીવાની એ જયોતનો રંગ પીળાશ પડતો કેસરી હોય છે.કેસરી એટલે કર્મઠતા પણ ગણવી રહી.અગ્નિનો રંગ કેસરી છે.યુવાનો જે કેમ્પફાયર કરે છે એનું સેન્ટર આગ હોય છે ને?યુવત્વનું તેજ આ રંગનું ગણાયું છે દોસ્ત.લાલ રંગ જો ઉર્જાનો હોય,તો કેસરી રંગ એ ઉર્જામાં ઠેહરાવનો છે.એ ઉર્જાને રેગ્યુલેટ કરે છે.અહીંથી ભગવા રંગ તરફની યાત્રા શરુ થાય છે.ભગવો રંગ શાંત વીરરસ દર્શાવે છે.આજના આ યુગમાં શાંત બનવું પાલવે એમ નથી.પણ હા,અંદર શાંતિ જોઈશે.એ વગર ગર્જનાની તાકાત ક્યાંથી આવશે?અને એટલે જ 'કેસરી' બનવા માટે કેસરી કલર કુદરતે આપેલો છે આપણા રોરી રેઇનબો માં...

પાપીની કાગવાણી:

કેસરિયો રંગ તને લાગ્યો એલા ગરબા....


માં ના ગરબા પણ કેસરી છે,તો આપણે,એના બાળુડાઓ આપણી અંદરના 'કેસરી'ને કેમ સુવડાવી રાખીએ છીએ?નાચવાની સાથે નહોર મારતા પણ શીખીએ... ;)