મૃત્યુ,મૌત,મરણ....આ બધા જ શબ્દો કશુક સૂચવે છે.કશુક ખોવાયાની,કશુક મૂળ સોતું ઉખડી ગયાની ફીલિંગ જીરવવી મુશ્કેલ છે.આખું જીવન સાથે ગુજાર્યું હોય અને ચંદ મીનીટોમાં એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે મગજ સુન્ન થઇ જવું સ્વાભાવિક છે.બાપથી લઈને બાળક સુધી દરેક વ્યક્તિ કે જેની સાથે એટેચમેન્ટ હોય,એ દુનિયા મુકીને ચાલ્યું જાય ત્યારે મિસિંગની ફીલિંગ લોહીની સાથે દોડતી હોય છે.પાઈરેટ્સ ઓફ કેરેબિયનનો સરસ ડાયલોગ જય વસાવડાએ એમના લેખમાં ટાંકેલો...So,nobody came because they miss me? સ્વજન અને સંતાન,આ બેના મૃત્યુનો આઘાત અલગ હોય છે.તીવ્રતાની દ્રષ્ટીએ બેય અલગ છે.પણ,કોમન એ છે કે બંનેમાં યાદો આંખોમાંથી ટપકવા માંગતી હોય છે.માતા કે પિતા,એ બેમાંથી એક જો જાય,તો વધુ દુ:ખ થાય છે કેમકે જેને સદાય રોલ મોડેલ કરતાય વધુ ગણ્યા હોય એને ફોટામાં જડાય જતા જોવા,તણાઈને દિનચર્યા માં જોતરાવું,મૃત્યુ પામેલી વ્યક્તિની ભાવતી વાનગીઓ મોઢામાં પડતા જ ખાલીપાની ફીલિંગ આવવી,સદાબહાર બની ગયેલા ડાયલોગ્સ-મુવીઝ-વસ્ત્રો આ બધું જોવાથી થતું પીન્ચિંગ...અસહ્ય બની જાય છે.ડીટ્ટો બાળકના કેસમાં પણ આવું બને છે.ઇવન,માતા અને પિતા માટે સંતાન મૃત્યુ પામ્યાનો આઘાત જુદો હોય છે.સ્ત્રી રડી શકે છે,પુરુષ એટલી ઝડપથી નથી રડી શકતો.આ એક મામલે પુરુષ વધુ લાચાર હોય છે.ધીમે ધીમે એ દર્દ યુઝ્ડ ટુ થતું જાય છે.દર્દ સાથે જીવવાની આદત પડતી જાય છે અને આંસુઓ સુકાતા જાય છે.તિથી,તારીખો યાદ રહે છે ને બક્ષી એ લખેલું એમ "ફોટામાં સ્થિર આંખો કોઈ દિવસ બંધ નથી થવાની અને એ સ્વીકારી લેવાનું છે." મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે.પણ,ખાલીપાને લીધે આવતો ઝુરાપો સાલો છાલ નથી છોડતો.ચિરકાળ રહેતી યાદો કાયમ દિલના એકાદ ખૂણામાં ખજાનાની જેમ સચવાયેલી પડી હોય છે અને તક મળે કરંડિયામાંના સાપની જેમ ફૂંફાડા મારતી મનને તરબતર કરી દે છે.મૃત્યુ અને મોન્સુન,આ બે ઋતુ યાદોની હોય છે.સતત વરસતો વરસાદ અને મૃત્યુ પછીનો તન્હા બનેલો રૂમ,બેય ફલેશબેકમાં લઇ જાય છે અને શરુ થાય છે યાદોના ઝંઝાવાત,જેની ગુંગળામણ ક્યારેક ભીંસી નાખે છે.અને બહાર આવે છે ડુસકા,ક્રોધ,ધોધમાર આંસુ અને એ પત્યા પછીનું ચીલ્લાતું મૌન.સાથે મળેલો અને કરેલો પ્રેમ,ઝગડા,નોકઝોંક ત્યારે બાજુ પર રહી જાય છે અને રહે છે પડઘાતા અવાજો અને સ્મૃતીચિત્રો.સ્વજનનું સ્મરણ ત્યારે સતત ધબકતું હૃદયનું અંગ બની જાય છે.કરવું શું ત્યારે?ફાઈટર બનવું પડે છે.સ્પીરીટેડ ફાઈટર બનીને જીવી શકો છો,પણ મુશ્કેલ છે કેમકે આ જ તો સંજોગો છે,બીજાઓને ઝીલી લેવાના અને ઝાલી લેવાના.એક વ્યક્તિ મૂળ સોતા સંબંધોને કાયમ માટે ઉખેડીને ચાલ્યું ગયું છે,બરાબર છે.પણ શું એનાથી જીવતા વ્યક્તિઓને ભૂલી જશો?આસ્ક યોરસેલ્ફ.કદાચ જવાબ મળી જશે.ઝુરપનો અને ખાલીપાનો...
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે...
-કામિલ વટવા