આજકાલ પ્રેઝેન્ટેશન અને રીડીંગ સ્કીલ મુખ્ય ગણાવા લાગ્યા છે.તમે ગુજરાતીમાં થોડું વધુ જાણતા હો તોય કોન્વેન્ટિયા સ્ટુડન્ટસને તમારી ઈર્ષા આવે છે કેમકે તમને એમના કરતા વધુ માર્ક મળે છે.મુદ્દો વાંચન કે ભાષા છે જ નહિ,મુદ્દો છે ઓન ધ સ્પોટ અપ્રોચનો.તમે જે તે વિષયને ત્યારે જ કેવી રીતે હેન્ડલ કરો છો એ વધુ મહત્વનું છે.હા,એ કબુલ કે વાંચન,મનન અને મુવીઝ તમારી જીભડીને વધુ મુક્ત કરે છે,પણ તોય અંતે તો ત્યારે સુઝતી વાતો જ તમારા મગજની ક્ષમતા અને કક્ષા નક્કી કરે છે.
પુરાણોમાં જોવા જઈએ તો એક બે ઉદાહરણો આવા Extempore ના છે.પહેલું ઉદાહરણ છે શિવ-તાંડવ.રાવણના તપથી પ્રસન્ન શિવજી એ એને અખૂટ શક્તિઓ આપી.ને પહેલો પ્રયોગ એણે કર્યો કૈલાસ પર.ઉપાડ્યો એણે તો.શિવજી એ જોયું,ને પગનો અંગુઠો મુક્યો કૈલાસની ટોચ પર.કૈલાસ નીચે આવી ગયો,પણ રાવણના હાથ એની નીચે દબાઈ ગયા.પીડાના માર્યા રાવણે મુક્ત થવા અને શિવજીના ક્રોધને શાંત કરવા ઝટપટ શિવ-તાંડવ સ્તોત્ર રચી નાખ્યું.એ સ્તોત્રના દરેક શબ્દનું એનાલીસીસ કરો ત્યારે ખબર પડે કે રાવણ પાસે કેવું મજબુત શબ્દભંડોળ અને શીઘ્ર કાવ્ય શક્તિ હતી!!! ઈમરજન્સી એવી હતી કે આજે પણ એક સ્પીડથી નીચે શિવ-તાંડવ ગાઈ શકાતું નથી.
બીજું ઉદાહરણ છે પુષ્પદંતનું.આ ગાંધર્વને રાજા ચિત્રરથના બાગમાં જઈ ફૂલો ચોરવાનું ભારે પડી ગયું.ચોરતી વખતે અદ્રશ્ય રૂપે રહેલા આ ગાંધર્વને શિવજીની પૂજામાં વપરાતા પુજાપાએ પકડી પાડ્યો.બે હાથ જોડીને માફી માંગવા જતા 43 શ્લોકનું શિવ-મહિમ્ન સ્તોત્ર જગતને ભેટ મળ્યું અને ભાઈ સાહેબ માંડ છૂટ્યા.
ત્રીજું ઉદાહરણ વીર સાવરકરનું છે.આંદામાનની જેલમાં એમને કાઈ જ લખવાની છૂટ નહોતી મળી.સમય પસાર કરવા એમણે દીવાલો પર કવિતાઓ લખવી શરુ કરી.દર વર્ષે એ દીવાલો પર ચૂનો ધોળાય એટલે જૂની યાદ કરીને નવી કડીઓ ઉમેરતા જતા હતા.એમ કરતા આખું મહાકાવ્ય બન્યું.
આ યુગમાં પાછા આવીએ તો સેલીબ્રીટીઝના ઇન્ટરવ્યુઝ્માં પણ રેપીડ ફાયર રાઉન્ડ અચૂક જોવા મળે છે.બક્ષીબાબુ જેવા તો એમાં ચામડી ઉતરડાય જાય એવા જવાબો આપવામાં માહેર ગણાતા..જય વસાવડા એ એક સવાલ એમના કાર્યક્રમ "સંવાદ"માં આવો જ એક રાઉન્ડ હતો ત્યારે એમને પૂછેલો.
જય વસાવડા- ગુજરાતી સાહિત્યમાં તમારા ફેવરીટ લેખક કોણ?
બક્ષી-(હસીને) હવે આમાં તો એવું છે કે ગુજરાતીમાં તો...બક્ષી છે.
ઘણા આને ફિલોસોફી કહે છે,તો ઘણા સ્કીલ.પણ,એ સર્જન હંમેશા અલગ અને જુદી જ ભાત પાડતું હોય છે.કેમકે એ સાચી રીતે બહાર આવ્યું છે,ઈમાનદારીથી બન્યું છે.ઘણી વાર સંગીતના પ્રોગ્રામમાં ચાલુ ગીતે તબલચી અને સિન્થેસાઇઝર પ્લેયર જે સામસામી જમાવતા હોય છે એ પણ ક્યારેક ઓન સ્ટેજ નક્કી થતું હોય છે.એજ રીતે ચાલુ ડાન્સમાં કોરીઓગ્રાફી બદલી નાખતા અને પ્રેક્ષકોની વાહવાહી મેળવતા કલાકારો પણ એટલા જ ઈમાનદાર હોય છે.ઈમાનદારી જરૂરી છે આવા સ્પોન્ટેનીઅસ સર્જન માટે.અને આવું સર્જન નિજાનંદ વગર બહાર ન આવે.ટેલન્ટ જન્મથી જ મળે છે દરેકને.જરૂર છે એને 'સ્વ' થી લઈને 'સૌ' સુધી ગણવાની અને ગણાવવાની...
પાપીની કાગવાણી:
એક ઓબ્ઝર્વેશન છે આ પાપીનું કે તમને બીજું કઈ ઓન ધ સ્પોટ બોલતા ન આવડે તોય સાલી ગાળો તો ધાણીફૂટ રીતે બોલાય છે હો. [ભલેને સ્ટેજ ફીઅરનો બાપ તમને હોય તો પણ...હાહાહા]