હવેના લીસ્ટમાં પ્રકાશમાં આવે છે પીળો કલર. યેલો યેલો ડર્ટી ફેલો. આ કહેવત કોણે બનાવી હશે એતો નથી ખબર; પણ હા, આ કલર કઈ ખરાબ નથી. બે દિવસ પછી આવતો વેલેન્ટાઇન ડે પ્રેમના ઘોડાપુરમાં ડૂબેલા યુગલોને નવો ઓક્સિજન આપશે ત્યારે બિચારો આ કલર અને એને ધરાવતા પીળા ગુલાબ બિચારા પડ્યા હશે એક ખૂણામાં, એ રાહ જોઈને કે ઓગસ્ટમાં ફ્રેન્ડશીપ ડે ક્યારે આવે. પણ પીળો કલર આ ઋતુમાં ઉડતી અને પરિણામે ક્યારેક માણસોને એકસીડન્ટમાં ઉડાડતી મસીઓ માટે ફેવરીટ છે. પીળા કલરનું ટી-શર્ટ સાંજે પહેરીને નીકળજો ક્યારેક. ભરતકામ કર્યું હોય એમ મસીઓ ભરાય જશે. આપણો સુર્ય પણ પીળા રંગનો સ્ટાર છે. આપણા શરીરમાં રહેલા બીલીરુબીનનો રંગ પણ પીળો હોય છે. “કમળો હોય એને પીળું જ દેખાય” આ કહેવત ઘણા અર્થમાં વપરાય છે. પેટમાં જેને વાયુ ભરાયો હોય એની હવા કાઢવા માટે પેલી હવાબાણ હરડેની ગોળીઓની શીશી પણ પીળી હોય છે. પીળો મીન્સ પિત્ત. પીળો રંગ હિલર છે. મૂઢ માર વાગ્યો હોય ત્યારે પેલી હળદર ભરવામાં આવે છે. હળદર પણ પીળી અને પરણવા બેઠતા વરને હૈયાધારણ(!) આપવા એના શરીરે ચોળાતી પીઠી પણ પીળી. યુવતીઓ સુંદર ત્વચા માટે પેલા ચણાના લોટથી સ્નાન કરે છે એ લોટ પણ પીળો. એ કબૂલ કે પીળા રંગના ઘણા શેડ્સ આપણે વાપરીએ છીએ. આજકાલ ફ્લોર-ટાઈલ્સ માટે વપરાતો ફેમસ કલર આઇવરી, પીળા રંગનો જ શેડ છે. પીળો બ્રાઈટ કલર છે એટલે ઘેરા રંગોના બેકગ્રાઉન્ડમાં એ ઝળકી ઉઠે છે. પીળો રંગ ઉષ્મતાનું પ્રતિક છે. લાગણીની હૂંફ, તાવની ગરમી, ગરમીનો મધ્યાહન, બળબળતો બપોર..આ બધું પીળા રંગમાં છે. અને એટલે જ ફ્રેન્ડશીપ જેવા હુંફાળા સંબંધ માટે યેલો કલર સ્વીકારાયો છે. આપણા સહુના ફેવરીટ ભગવાન શ્રીકૃષ્ણના પીતામ્બરનો રંગ પણ પીળો છે. સંબંધમાં ઉષ્મા ન હોય તો એ રીલેશન ન રહેતા કર્ટસી બની જાય છે.
એ ઉષ્મા એટલે? યાર-દોસ્તને રાતે ઉઠાડીને બસ સ્ટેન્ડે બોલાવવો એ? કે પછી કઈ જ બોલ્યા વગર પ્રિયજનને અપલક તાકી રહેવું એ? કે પછી મમ્મીનાં ખોળામાં માથું મુકીને ચુપચાપ સુઈ રહેવું એ? કે પછી પપ્પાને વધુ આરામ મળે એ માટે ડોક્ટરને ખાનગીમાં “વધુ આરામનું જ કહેજો હો સાહેબ, નહીતર આ ઉઠીને ઓફિસે ચાલવા માંડશે” એવું કહેવું એ? કે પછી ચાની ચુસ્કીઓ લેતા લેતા ગાઢ દોસ્તને “હું તો તારા જ પનારે રહીશ જા, થાય તે કરી લે” આવું કહેવું એ? આ બધી જ સ્લાઈસ ઓફ લાઈફ દિલની ઉષ્મા છે, હૂંફ છે. શિયાળાની થરથરાવતી ઠંડી પછી નીકળતો સવારનો પીળો તડકો જેટલો મીઠો લાગે, એટલી જ મીઠી આ મોમેન્ટ્સ છે. મીઠે સે યાદ આયા, આપણો પેલો સદાબહાર ટોપરાપાક પણ પીળો અને સોનપાપડી પણ પીળી. રસ્તા પરની સ્ટ્રીટલાઈટમાં સોડીયમ લેમ્પનો પ્રકાશ પણ પીળો અને ઘરે રહેલા 40 વોટના બલ્બનો પ્રકાશ પણ પીળો. “ગુસ્સાથી લાલપીળો” એવો શબ્દપ્રયોગ ગુજરાતી અને હિન્દી બેયમાં છે. ઈંડામાંથી નીકળતી જર્દીનો રંગ પણ પીળો અને કેસરને દુધમાં નાખો ત્યારે છુટો પડતો રંગ પણ પીળો હોય છે. ફેવીસ્ટીક ગ્લુ ના ઢાંકણાનો રંગ પણ પીળો છે. ભારતભરમાં STD બુથનો રંગ પીળો સિલેક્ટ કરવામાં આવ્યો છે. RTO એ ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓની નંબર પ્લેટનો રંગ પણ પીળો રાખ્યો છે.અને અબોવ ઓલ, ફેસબુક-ટ્વીટર-ઓરકુટ-યાહુ પર હોટ ફેવરીટ એવા સ્માઇલીનો રંગ પણ પીળો છે.ખાવા પીવાના(!) મામલે કેરી,પપૈયો,લીંબુ,આંબા હળદર,મોતીચૂરના લાડુ,બુંદીના લાડુ,મેક્ડોવેલની બોટલનું સ્ટીકર પણ ઘાટું પીળું અને સ્ત્રીઓના ફેવરીટ એવા સોનાના ઘરેણાં પણ પીળા તથા એ લોકો કપડા સૂકવે એની દોરી(વરગણી) પણ ઓલમોસ્ટ પીળી...
આ બધું જ સ્થિરતા અને મધ્યમ ગતિ સૂચવે છે.અને એટલે જ મધ્યાહને તપતો સુર્ય સ્થિર લાગે છે.લાઈફમાં પણ માણસ ક્યારેક સ્થિરતા પકડતો જ હોય છે ને?
પાપીની કાગવાણી:
ટ્રાફિક સિગ્નલની પીળી લાઈટ વાહન ચાલુ રાખવાનું સૂચવે છે,રાઈટ? આ ક્યાંક એવું તો નથી સૂચવતું ને કે લાઈફનો ક્લચ હવે પકડવો પડશે???
No comments:
Post a Comment