Thursday, June 20, 2013

મહા(આળસુ)જાતિ ગુજરાતી

હું,

હા હું એક ગુજરાતી છું. ગુજરાતી હોવાની મારી પ્રથમ લાયકાત એટલે આ જે બહારની વિદેશી કંપનીને સારા પૈસા આપીને લેપટોપ ખરીદેલ છે એના પર વિદેશી કંપનીએ સ્ટાર્ટ કરેલી ગુજરાતી ભાષાના સોફ્ટવેરથી આ ટાઈપ કરું છું. હું ગુજરાતી છું એની બીજી લાયકાત એ કે હું ગમે એ સ્થળે,જ્યાં બસ,ટ્રેઈન,વિમાન,ક્રુઝ જઈ શકે ત્યાં પૂરતા રૂપિયા ઉડાવીને પહોચું છું અને પછી નિરાંતે થેપલા,અથાણાના ડબ્બો ખોલું છું કેમકે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ ને મેં ખરેખર બહુ જ સીરીયસલી લઇ લીધી છે. હું તરત ગણતરીઓ માંડી દઉં છું કે આમાં આપણને કેટલી ખોટ આવશે અને પડતર કેટલું થશે? હું કરકસર કરીને જીવું પણ બહાર ફરવા આવું ત્યારે બેફામ રૂપિયા ઉડાડું.પણ જેવી કોઈ આપત્તિ આવે તો હું સેવા માટે દોડવામાં પહેલો હોઉં.

હજી હમણાં જ ઉત્તરાખંડમાં મારા પાંચેક હજાર સાથીઓ ફસાયા છે.પણ એ અમારા માટે જાત્રાનું સ્થળ છે. મને ટ્રાફિકના નિયમો પાળવામાં પણ આળસ આવે ને આવી જગ્યાએ ફસાયા હોઈએ ત્યારે શું કરવું એની ટ્રેનીંગ લેવામાં પણ. હું અબુધની જેમ ફસાઈ જાઉં છું. મારા રાજ્યમાં પર્વતો બહુ જુજ છે,ને એમાંય મેં એને દારૂ,દુઆના અડ્ડા બનાવી દીધા છે એટલે એ રીતે પણ મેં મારી જનરેશનને કેળવી નથી કે આ માત્ર જાત્રાનું નહિ, ટ્રેકિંગનું પણ સ્થળ છે. કોઈ પણ જગ્યા એ આફતમાં ફસાઈને ઘાંઘો થઈને બીજા બે ત્રણ ને લઈને ડૂબી મરું છું. જંગલોમાં ફરવાની ટેવ અને સતત 'મને તો કમ્ફર્ટ જ ફાવે'ની માનસિકતા એ મારા શરીરને હાડમારીઓ વેઠવા જેટલું સક્ષમ નથી બનવા દીધું.હું માનસિક રીતે મજબુત છું,પણ શારીરિક રીતે પાંગળો છું. જંગલમાં ફરું છું, પણ જાણકારીનો સદંતર અભાવ છે કેમકે વાંચવાની ટેવ જ નથી.અરે, ટીવીમાં પણ રીયાલીટી શો જ ગમે છે મને. 'મેન વર્સીસ વાઈલ્ડ' જેવો પ્રોગ્રામ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે એવી મને ખબર જ નથી.

કસરતી શરીર જોવામાં જ સારું લાગે, એના કરતા પૈસા બનાવવાની કસરત મને વધુ માફક આવે છે. જેને લીધે મેં રીમોટ,સેલફોન અને ચા ની રકાબી રાખી શકું એટલી ફાંદ વિકસાવી છે. આખા ભારતમાં ફાંદ વિકસિત લેવલે હોય એવું માત્ર ગુજરાતમાં જ છે.હઓ..હું ધર્મો/ટ્રસ્ટોમાં કાયમ દાન દીધે રાખું, પણ કેમ્પિંગ/બાઈકિંગ કે ટ્રેકિંગ જેવા સ્પોર્ટ્સ માં હું નહીવત રસ લઉં છું.ટાઈમ નથી યુ નો...મારે તો દિવસના ત્રણ ચાર માવા જોઈએ.સોદા અને સોડા વગર દિવસ જ પુરો ન થાય મારે.

અને પછી ગીરનાર જેટલું શરીર ખડકાય જાય એટલે હું રોજ સવારે જોગર્સ પાર્કમાં હાંફતા હાથીની જેમ દોડું.પરસેવે રેબઝેબ થાઉં એટલે નજીકમાં નીરો પીં ને મદ્રાસી લારી પર મેંદુવડા-ઈડલી-સંભાર 
ઝાપટું.પાછો બ્રેકફાસ્ટ ન પડવો જોઈએ યુ સી...

અને આહાહા,વરસાદી સીઝનમાં હું જરાકેય પ્રિકોશન ન લઈને ગાડી-બાઈક-મોપેડને મીકેનીકને હવાલે કરું અને એ કહે એટલા રૂપિયા ગણી દઉં.અને એ રીપેર કરતો હોય ત્યારે બાજુની લારી પર દાળવડા-મરચા-ભજીયા ઉડાડું.પાંચસો ગ્રામ મારા અને બાકીના કિલો ઘર માટે....

હા,હું એ ગુજરાતી છું , પ્રમાદી છું, પ્રવાસી છું,સાહસી છું...
.
.
.
.
.
.
.
.
.
.
.
..અને સૌથી વધુ આળસી છું....

3 comments: