Tuesday, June 15, 2010

મસ્તી મોન્સુનની....



અત્યારે ચાલુ વરસાદે વાછટ ના હળવા થપ્પડો ખાતા ખાતા આ લખી રહ્યો છું.મોન્સુન,વર્ષા,વરસાદ,મેહુલો,મેઘરાજા,મેઘા..ઓહોહો કેટલા બધા નામ છે આ રેઇનના...!!!વર્ષા-વિજ્ઞાનની અઘરી ટર્મ્સમાં નથી પડવું કે નથી દાળવડા,ભજીયા,ગોટાની ખાઉધરી ગલીમાં ફરવું.આપણે તો બસ કંઈક શેર કરવું છે જે આ પહેલા ક્યારેય નથી અનુભવ્યું.એ છે ધરતી આકાશનો દિલફાડ અને તસતસતો પ્રેમ.વરસાદ તો મારી દ્રષ્ટીએ ધરતીને આકાશે કરેલું સરાજાહેર ચુંબન છે.પવન વાતો હોય તો એ બધાને સમાચાર આપવા કે જુઓ,અમે તો નવાનક્કોર ચુંબનના ખબરી છીએ.આપણા સમાજમાં પણ આવા પવનો બહુ વાય છે.

ધરતીને સ્ત્રી સાથે એટલે સરખાવી છે કે સ્ત્રીને પણ પેશનેટ પ્રેમ ગમતો હોય છે.ધરતી વરસાદ પડતા જ જેમ લીલીછમ થઇ જાય છે એમ સ્ત્રી પણ ગમતીલા પ્રેમની અસરથી થનગનતી બની જાય છે.એને જરૂર કેટલી હોય છે આખરે?એકાદ કિસ,ગાલ પર એકાદ હળવી ટપલી અને ધોધમાર પ્રેમ....અને તેમ છતાય પુરુષને એની આટલી જરૂરિયાત પૂરી કરવી એ હિમાલય જેટલું મોટું અને અઘરું કામ લાગતું હોય છે.કેમકે પુરુષ લાગણીથી નહિ,લોજીકથી વિચારે-વર્તે છે.જયારે સ્ત્રી લાગણીના સ્વીન્ગ્સમાં જીવે છે.

વરસાદ એ ચિન્હ છે પ્રેમમાં પણ વરસી જવાનું.એ સિગ્નલ આપે છે કે જો તમે પ્રેમમાં એકની એક વાતોથી કંટાળ્યા હો તો જરા એક નજર વરસાદ પર નાખીને ફરી વાતમાં એને મુકો.વરસાદ એ જાદુઈ દવા છે પ્રેમને રીફ્રેશ કરવા માટે,પ્રેમીને રીફ્રેશ કરવા માટે.અને યુવા હૈયાઓ જ આનો લાભ લઇ શકે એવું નથી.પરણેલાઓને તો તરોતાજા થઇ જવાય એવી આ ઋતુ છે.રીમઝીમ વરસાદમાં એકાદ વોક અથવા એકાદ લોંગ ડ્રાઈવ પુરતી છે પ્રેમ ઉજાગર કરવા માટે.ભીની બુંદો મન અને દિલ બેયને ભીંજવતા હોય ત્યારે પ્રિયજનના હુંફાળો સ્પર્શથી ગમે તે ઉમરમાં પણ પ્રેમનો મારુત સુસવાટા લાવી દે.... 

      Monsoon wishes for u = Enjoy monsoon wit partner soon...

Wednesday, June 9, 2010

" મમ્મી - મૃગજળમાં મૃદુ પવન જેવી "...મારા કાકીની લાગણી ; મારી કલમે...

મજામાં છે ને તું? આજકાલ કરતાં કેટલાંય વર્ષો પસાર થઇ ગયા છતાંય પેલી પૂરણપોળીની મહેક આજે પણ એ જ છે ને ઢોકળીની કઢી પણ એટલી જ દાઢે વળગેલી છે.આ તો એક માધ્યમ છે તારા માટેના ખેંચાણનું.બાકી તો એક સંતાન કેટલુંક કહી-લખી-બોલી શકે કે એના માટે માં શબ્દ કેટલો જરૂરી છે?જન્મથી લઇને જૂતા સુધી,અક્ષર પાડ્વાથી માંડીને આધેડ થયા સુધી,સુખો થી માંડીને સંઘર્ષો સુધી,ખોરાકથી માંડીને ખામીઓ સુધી....કેટકેટલી વસ્તુઓ તારી હાજરીથી મહેકી ઉઠેલી?આજે સલાહ લેવા માટે તરત ફોન થાય છે ત્યારે એ ખાતરી હોય છે કે સામે છેડે જવાબ મળવાનો છે જ.ઠેસ-પછી એ પથ્થરની હોય કે જિન્દગીની,’ઓ બા’ જ બોલાય છે.હજીય એ વિશ્વાસ અટલ છે કે સામે ઝીલી લેવા તું હોઇશ જ.આજે હું પોતે એક માં છું ત્યારે તારી હાલત સમજાય છે¸તારી પીડા,તારી તાકાત અને અમારા બધાયની ધમાચકડી....આ બધું જ હું પોતે પણ અનુભવું છું.દુનિયામાં બધી જ માતાઓ સરખી હોય છે.આજે ભલેને તારા દરેક સંતાનો આરામથી રહેતા હોય,પણ તને હજીય છાને ખુણે તો ચિંતાઓ રહેતી જ હશે.આ તો હું લખીને તને મારા દિલની વાત કરૂં એટલે,પણ બાકીના બધાયના મનમાં આ જ લાગણી હશે એ તો હું કહી જ શકું છું.
આવું એટલા માટે કેમકે તે દિલથી દિલ જોડ્યા છે,સ્વજનોનો સાથ રાખતા અને આપતાં શિખવાડ્યું છે,એક્તાનો વાસ્તવ અર્થ અમે જીવ્યો છે ને તારા જીવનમાંથી જ સતત એ પ્રેમતત્વની સરવાણી અમને બધાયને તરબોળ કર્યા રાખે છે.સતત દોડતી આ જિન્દગીમાં ઘડીક શ્વાસ લેવાનું મન થાય ત્યારે પહેલો વિચાર તને મળવાનો આવે છે.નાના હતા ત્યારે તો તને ફુરસદ જ નહોતી સંસારના કામોમાંથી.તોય અમે બધા તને હાલરડા ગાતા,આંગળા ખવાઇ જવાય એવી રસોઇ બનાવતા,બંને ભાઇઓને સંસારની રીતરસમોથી વાકેફ કરાવતા,અમને બહેનોને સાસરામાં રહેવાની શિખામણ આપતા જોઇ રહેતા,હજીય જોઇએ છીએ.આજે પણ તારી અખૂટ તાકાતનું રહસ્ય સમજવા જેટલી સમજણ નથી આવી.કદાચ ભગવાન પર અથવા તારા ઉછેર પરનો અતુટ વિશ્વાસ તારી તાકાતના મુખ્ય સ્ત્રોત હશે એમ માનું છું.
તને ઉંમરને કારણે અમારો અવાજ સાંભળવો અઘરો થઇ પડ્યો છે.તોય હું તો તારો હોંકારો સાંભળીને જ આશ્વસ્ત થઇ જાઉં છું કે હજી અમારા બધાય ભાંડરડા પર તારી છ્ત્રછાયા છે.દુનિયાના સઘળા સંકટો સામે રક્ષણ આપે એવી ઢાલ,અમારી મમ્મી હજીય સાબૂત છે.તને અને તે પસાર કરેલી ખુમારીવાળી જિન્દગીને જોઇને આગળ વધવાનું બળ મળ્યા કરે છે.સંતોષ એ વાતનો છે કે અમે તારી સાથે જિન્દગીને ભારોભાર જીવી છે,માણી છે,જાણી છે ને પિછાણી છે.અમે દરેક ભાંડરડા આજે એક્બીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા રહીયે છીએ તો એનું એકમાત્ર કારણ તે આપેલા જીવનરસના ઘુંટડાઓ છે.તકલીફ આવે તો એક્જૂટ થઇને એનો સામનો કરતાં પણ તે જ શિખવાડ્યું છે ને એક્તાનો પહેલો પાઠ પણ તે જ આપેલો.રસોઇના ચટાકા ને તોફાનોના ધડાકા તે હસતે ચહેરે ઝીલ્યા છે.પપ્પાના ગયા પછી તું ચોક્કસ હલબલી ગઇ હોઇશ પણ એ તે અમને ક્યારેય ન જણાવા દીધું.આટલો મોટો પરીવાર,બેશુમાર જવાબદારી અને સામાજિક વ્યવહારો હોવા છતાંય તે એમને જાદુગરની જેમ રમતાં-રમાડતાં સંભાળ્યા.

આજે કોઇ જ અફસોસ નથી.કોઇ જ દુ:ખ નથી.પપ્પાની કમી તો રહેશે જ,પણ તારી હાજરી મને,અંજુને,દિવ્યાને,મીનાને,દિપકને,નીલુને અજવાળે છે.હીરાબેન માંથી હીરાબા-એવું માનભર્યું નામ તને જ્યારે આજે મળી ચુક્યું છે ત્યારે એક સંતાન તરીકે દિલ અને દિમાગમાં માત્ર અહોભાવ છે કે હા,આ એ જ મમ્મી છે જે આખી જિન્દગી સંતાનોના,સમાજના,જિન્દગીના દુ:ખોના આકરા તાપમાં પણ મ્રુદુ પવન બનીને જીવી છે...

લિ.તારી અમી...