Wednesday, June 9, 2010

" મમ્મી - મૃગજળમાં મૃદુ પવન જેવી "...મારા કાકીની લાગણી ; મારી કલમે...

મજામાં છે ને તું? આજકાલ કરતાં કેટલાંય વર્ષો પસાર થઇ ગયા છતાંય પેલી પૂરણપોળીની મહેક આજે પણ એ જ છે ને ઢોકળીની કઢી પણ એટલી જ દાઢે વળગેલી છે.આ તો એક માધ્યમ છે તારા માટેના ખેંચાણનું.બાકી તો એક સંતાન કેટલુંક કહી-લખી-બોલી શકે કે એના માટે માં શબ્દ કેટલો જરૂરી છે?જન્મથી લઇને જૂતા સુધી,અક્ષર પાડ્વાથી માંડીને આધેડ થયા સુધી,સુખો થી માંડીને સંઘર્ષો સુધી,ખોરાકથી માંડીને ખામીઓ સુધી....કેટકેટલી વસ્તુઓ તારી હાજરીથી મહેકી ઉઠેલી?આજે સલાહ લેવા માટે તરત ફોન થાય છે ત્યારે એ ખાતરી હોય છે કે સામે છેડે જવાબ મળવાનો છે જ.ઠેસ-પછી એ પથ્થરની હોય કે જિન્દગીની,’ઓ બા’ જ બોલાય છે.હજીય એ વિશ્વાસ અટલ છે કે સામે ઝીલી લેવા તું હોઇશ જ.આજે હું પોતે એક માં છું ત્યારે તારી હાલત સમજાય છે¸તારી પીડા,તારી તાકાત અને અમારા બધાયની ધમાચકડી....આ બધું જ હું પોતે પણ અનુભવું છું.દુનિયામાં બધી જ માતાઓ સરખી હોય છે.આજે ભલેને તારા દરેક સંતાનો આરામથી રહેતા હોય,પણ તને હજીય છાને ખુણે તો ચિંતાઓ રહેતી જ હશે.આ તો હું લખીને તને મારા દિલની વાત કરૂં એટલે,પણ બાકીના બધાયના મનમાં આ જ લાગણી હશે એ તો હું કહી જ શકું છું.
આવું એટલા માટે કેમકે તે દિલથી દિલ જોડ્યા છે,સ્વજનોનો સાથ રાખતા અને આપતાં શિખવાડ્યું છે,એક્તાનો વાસ્તવ અર્થ અમે જીવ્યો છે ને તારા જીવનમાંથી જ સતત એ પ્રેમતત્વની સરવાણી અમને બધાયને તરબોળ કર્યા રાખે છે.સતત દોડતી આ જિન્દગીમાં ઘડીક શ્વાસ લેવાનું મન થાય ત્યારે પહેલો વિચાર તને મળવાનો આવે છે.નાના હતા ત્યારે તો તને ફુરસદ જ નહોતી સંસારના કામોમાંથી.તોય અમે બધા તને હાલરડા ગાતા,આંગળા ખવાઇ જવાય એવી રસોઇ બનાવતા,બંને ભાઇઓને સંસારની રીતરસમોથી વાકેફ કરાવતા,અમને બહેનોને સાસરામાં રહેવાની શિખામણ આપતા જોઇ રહેતા,હજીય જોઇએ છીએ.આજે પણ તારી અખૂટ તાકાતનું રહસ્ય સમજવા જેટલી સમજણ નથી આવી.કદાચ ભગવાન પર અથવા તારા ઉછેર પરનો અતુટ વિશ્વાસ તારી તાકાતના મુખ્ય સ્ત્રોત હશે એમ માનું છું.
તને ઉંમરને કારણે અમારો અવાજ સાંભળવો અઘરો થઇ પડ્યો છે.તોય હું તો તારો હોંકારો સાંભળીને જ આશ્વસ્ત થઇ જાઉં છું કે હજી અમારા બધાય ભાંડરડા પર તારી છ્ત્રછાયા છે.દુનિયાના સઘળા સંકટો સામે રક્ષણ આપે એવી ઢાલ,અમારી મમ્મી હજીય સાબૂત છે.તને અને તે પસાર કરેલી ખુમારીવાળી જિન્દગીને જોઇને આગળ વધવાનું બળ મળ્યા કરે છે.સંતોષ એ વાતનો છે કે અમે તારી સાથે જિન્દગીને ભારોભાર જીવી છે,માણી છે,જાણી છે ને પિછાણી છે.અમે દરેક ભાંડરડા આજે એક્બીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા રહીયે છીએ તો એનું એકમાત્ર કારણ તે આપેલા જીવનરસના ઘુંટડાઓ છે.તકલીફ આવે તો એક્જૂટ થઇને એનો સામનો કરતાં પણ તે જ શિખવાડ્યું છે ને એક્તાનો પહેલો પાઠ પણ તે જ આપેલો.રસોઇના ચટાકા ને તોફાનોના ધડાકા તે હસતે ચહેરે ઝીલ્યા છે.પપ્પાના ગયા પછી તું ચોક્કસ હલબલી ગઇ હોઇશ પણ એ તે અમને ક્યારેય ન જણાવા દીધું.આટલો મોટો પરીવાર,બેશુમાર જવાબદારી અને સામાજિક વ્યવહારો હોવા છતાંય તે એમને જાદુગરની જેમ રમતાં-રમાડતાં સંભાળ્યા.

આજે કોઇ જ અફસોસ નથી.કોઇ જ દુ:ખ નથી.પપ્પાની કમી તો રહેશે જ,પણ તારી હાજરી મને,અંજુને,દિવ્યાને,મીનાને,દિપકને,નીલુને અજવાળે છે.હીરાબેન માંથી હીરાબા-એવું માનભર્યું નામ તને જ્યારે આજે મળી ચુક્યું છે ત્યારે એક સંતાન તરીકે દિલ અને દિમાગમાં માત્ર અહોભાવ છે કે હા,આ એ જ મમ્મી છે જે આખી જિન્દગી સંતાનોના,સમાજના,જિન્દગીના દુ:ખોના આકરા તાપમાં પણ મ્રુદુ પવન બનીને જીવી છે...

લિ.તારી અમી...

3 comments:

  1. Harsh-superb....just one word enough for it i think...ekdum emotional chhe ne hear touching too...

    ReplyDelete
  2. gr8..... harsh.......very touchin'

    ReplyDelete
  3. wow...................it's realy touching..........
    bahu saras lakhyu che........janine aanand thayo ke bija na dil ni vat pan aatli Sahajta thi olkhi le che....My bro..u r too good...........

    ReplyDelete