Saturday, July 31, 2010

ફ્રેન્ડશીપ ડે - ફાઈન ફ્રેન્ડશીપમાં મળેલા દુલારા સંબોધનો

આજે તો ફ્રેન્ડશીપ ડે પર બધા જ લેખકો ધડબડાટી બોલાવી દેશે.કૃષ્ણ-સુદામા અને એવા જગવિખ્યાત મિત્રોના હવાલા આપીને દોસ્તીના જુના-નવા ફંડા કાગળ ઉપર ઉતારશે.સારી વાત છે કે દોસ્તીને વખાણવી જરૂરી છે.દોસ્તો,યારો જિંદગીને જીવવાલાયક બનાવે છે એ તો કાન પકડીને કબુલ છે.અરે મોબાઈલ પકડીને સ્પીકર પર ગાળો ખાવા માટે ઝગડી પડવું એ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ નું લક્ષણ નથી,પૈસા ખૂટી પડે એમ હોય ત્યારે 10-12 બટરનાન ના બુચ મારવા જેટલી હિંમત સાથે કોઈ હોય ત્યારે ન ચાલે,બાઈકમાં પેટ્રોલ ખૂટે ત્યારે બીજી બાઈક માં ટચિંગ કરીને લંબાવાતા હાથ ગર્લ ન આપી શકે,એમાં તો યાર દિલદાર જ જોઈએ,ગમે એ લાઈન હોય;પોતાના બદલે જેને ઉભા રાખીને નિરાંતે પફ-ચા પીવા જઈ શકાય અને જેના ખાતામાં કેન્ટીનનું બીલ ઉધારી શકાય એવા દિલફાડ  દોસ્તી આપનાર દોસ્તોને આજે યાદ કરવાનો અવસર છે.


દોસ્તો યાદ કઈ વસ્તુને લીધે રહે છે?પ્રસંગો?ધમાલ?કપલ્સની મોડી સાંજે કરાયેલી સળીઓથી?પૈસા ખૂટી પડતા હોય ત્યારે બીજાને અપાયેલી ખાતરી પર અપાતા પૈસાથી?બર્થ ડેની કાદવભરી પાર્ટીથી?કે પછી અચાનક મગજમાંથી નીકળેલા સંબોધનોથી?સવાલો અને જવાબો ઘણા બધા છે.સૌથી કેચી લાગતું ફેક્ટર સંબોધન છે.ગુણ,વાત કરવાની સ્ટાઈલ,ચાલ,ચશ્મા,વર્તનની ઢબ આ બધામાંથી જે ફની લાગે એને ચગાવી દઈને જાહેરમાં પહેરેલા કપડા ભારે લાગે એ રીતે ફિલમ ઉતારવામાં આવે છે.ગાંધી,બાડો,ટિન્ચું,બાવો,લુગડી,પદુ,બાટલો,ગેબો,ભરવાડ,ડી,બચુ...આ બધા બહુ થોડા નામો છે,જે ફૈબાએ નથી પાડ્યા.એમ જ પડેલા ને એટલે જ ચાર વર્ષ પછી પણ હીટ રહ્યા છે અને એ વિશ્વાસ છે કે આગળ પણ હીટ જશે.


હવે મળેલા નવા નામ પણ એટલા જ રસપ્રદ છે.કેમકે ઓરકુટના ઓટલે ગોષ્ઠી કરતા કરતા એમ જ પડેલા છે.હર્ષનવા,બૌદ્ધિક મચ્છર,HP,...લીસ્ટ લાંબુ છે અને થોડું અશ્લીલ પણ.પણ હરખ એ છે કે હજીય નવા નામ,નવા સંબોધનો મળી રહ્યા છે.સહૃદયતા એવી જ બરકરાર છે,મેચ્યોરીટી પણ ખીલી છે,જ્ઞાનના સીમાડા વિસ્તરી રહ્યા છે,રોજ ઉઠીને થતી ચેટ જાણે સામસામે બેસીને થતી વાતો જ બની ગઈ છે.ફેસબુકમાં કૈક લખો એટલે કોમેન્ટ આવી એમ સમજો.ક્યાંક સાર્કાસ્ટીક કટ,તો ક્યાંક OHC ની ધાણીફૂટ...એમાં પણ નવા નવા નામો મળી જાય એવા ઇન્ટેલ-ઇનસાઇડ મિત્રો છે.આપણે પાડીએ તો આપણા પણ પડશે જ,અહીનું અહી જ છે.આ બધા નામો ખરું જોતા તો વહાલ દર્શાવે છે,નબળાઈ ઉપર બનેલા નામ ડાઉન ટૂ અર્થ રહેતા શીખવે છે,અભિમાનના ચુરા કરો તોજ અંદરુની માણસ બહાર આવે,અને આ નામ એમાં ભાગ ભજવે છે.એ જ તો મેજિક છે ફ્રેન્ડશીપનું.                                                                                                                                     

પહેલા નામ પાડીને ખડખડાટ હસી પડાતું,આજે એજ નામો આંખોમાં ડબડબ થાય છે..હા,એ અહેસાસ તો એજ છે,પ્યોર,રિફાઇન્ડ અને ધબકતો-ધબકાવતો...વિશ યુ અ વેરી હેપી ફ્રેન્ડસ ડે........ 


           

Sunday, July 25, 2010

ગુરુપૂર્ણિમા - ગુરુ ગોવિંદ દોનો ખડે થી ગુરુ,હો જા શુરુ...

આ કઈ પહેલાના ભવ્ય ભૂતકાળની છડેચોક પ્રસંશા નથી કે આજના જમાનાના ઈરોટિક ગલગલીયા પણ નથી.પણ એક આખું ટ્રાંઝીશન દેખાડવાની ઈચ્છા છે.એવી સફર કે જે સતત થતી આવી છે,થઇ રહી છે અને આગળ પણ થતી રહેવાની છે.દરેક ગુરુમાંથી શીખવાની ઈચ્છા બરકરાર રહે એ જ સાચું વિદ્યાર્થીપણું.સમય અફકોર્સ ગુરુને ક્રેડીટ દેવાનો છે,એમને ખરા દિલથી થેન્ક્સ કહેવાનો છે.પણ,લાઈફ પ્રત્યે કદાચ સૌથી ઓછું ધ્યાન જાય છે.લાઈફ જેટલું શીખવે છે એટલું કોઈ ગુરુ શીખવી નથી શકતા.પળેપળ નવો સંઘર્ષ,નવા ટાર્ગેટ,નવા કરીક્યુલમ,નવા માણસો સાથે માથાફોડ...કેટલુય ચાલતું રહેતું હોય છે.આ બધા સામે શું પુસ્તકિયું જ્ઞાન કામ લાગે છે?ના,એમાં તો પાસ્ટના અનુભવો જ કામ લાગે છે.અને એટલે જ લાઈફ પહેલા અનુભવાડે છે અને પછી શીખવાડે છે.એટલે જ લાઈફ માત્ર બદલાતા દિવસો કે વિતતા કલાકો ન રહેતા સુપર્બ સફર બની રહે છે.સપનાઓ તમને લક્ષ્ય આપે છે તો હિંમત આગળ વધ્યા કરવાનું બળ સીંચ્યા કરે છે.પ્રિયજનો,સગાવહાલાઓનો સાથ હુંફ આપે છે તો મિત્રોની દિલદારી લાઈફને દરેક સેકન્ડે જીવવાનો હોંશ આપે છે.સવાલ બે પાંચ ક્ષણો ચોરીને થતી મનગમતી પ્રવૃત્તિ નો નથી,લાઈફને રોજેરોજ અપડેટ કરવાની છે.નેટ પર સ્ટેટસ અપડેટ કરવાથી જ નવીનતા નથી આવતી,એને ધડકનો સાથે ઘોળવી પડે છે,રુધિરને હણહણતી ગતિએ દોડાવવું પડે છે અને પ્રિયજનને અપાતા પ્રેમમાં ભરતીઓ લાવવી પડે છે. લાઈફ ઘણી વાર બોરિંગ,ગ્લુમી લગતી હોય છે.બનવાજોગ છે કેમકે દરેક દિવસ સારો નથી હોતો,દરેક સાંજ રસભરી નથી હોતી.પણ તોય એમ કઈ મુડલેસ થોડું થવાય?લાઈફ દરેક જાતના અનુભવથી નવું નવું શીખવાડ્યા કરે છે.હરપળ,હરદમ કિક મારે છે.ક્યારેક પેનલ્ટી કિક તો ક્યારેક ઓફલાઈન કિક...ગોલ થઇ જવો જ જરૂરી નથી.પણ કિક વાગે એ જરૂરી છે.ધધક દરેક જગ્યાએ રાખવી પડે છે,અંદર આગ જલતી હોય તો જ બહાર કશુક નક્કર આવે છે.પછી એ વીર સાવરકર હોય કે સરફરોશનો એસીપી રાઠોડ હોય...


હિંમત જીવવા માટે જોઈએ છે,મરવા માટે નહિ... 
    

Thursday, July 15, 2010

એકલતા - એકરાર અને ઇનકાર વચ્ચે અટવાતી જિંદગીની સફર

"યાર મેં એને કહ્યું પણ ખરું કે હું સીરીઅસ છું,પણ એ મને એની બેસ્ટ ફ્રેન્ડ જ ગણે છે.બીજું કંઈ નહિ.એટલે અમે રીલેશન પૂરો કર્યો.પણ ખબર નહિ કેમ એ દિલમાંથી જતો જ નથી.એ સ્થળો,એ રસ્તાઓ બધું જ નજર સામે નાચ્યા કરે છે.તું કહે,મેં શું ખોટું કર્યું?"


સાવ સાચો સંવાદ છે આ.એક તો દિલના દર્દી હોય અને એમાય મારા મિત્રો હોય,એટલે બધું શેર કર્યા કરતા હોય છે.શેર કરે ત્યાં સુધી વાંધો નથી,પણ પછી જયારે મારા પર ડિસીશન કે અભિપ્રાય આપવાનું કહેણ આવે છે ત્યારે ધ્રુજી જવાય છે.પણ આ બધામાં એણે કહેલું એ એક વાક્ય દિલમાં ખંજરની જેમ ખચ્ચ કરતુંકને પેસી ગયું.એકરાર થયા પછી જયારે સામેનું પાત્ર ના પાડી દે ત્યારે પહેલા તો દુનિયા આખી ફરતી અટકી જાય છે,પછી દિલ જોરથી ધડકવા લાગે છે અને પછી અચાનક કોઈએ શરીરમાંથી જીવનતત્વ ઉડાડી લીધું હોય એમ લાગે છે.હળવે હળવે તડપની લહેરો ઉઠતી જાય છે જે જીવને ક્યાંય જંપવા દેતી નથી.
દરેક દિલને એવી ઈચ્છા હોય છે કે કોઈ પોતાને પાગલોની જેમ ચાહે.બસ,પાગલોની જેમ એ ચાહતને વ્યક્ત કરવામાં શરમ આડે આવતી હોય છે.કોણ જાણે એવા સુસંસ્કૃત દેખાઈને શુંય સાબિત કરવાનું હોય છે!!કબૂલ કે પ્રેમ વ્યક્ત ન કરી શકનાર પ્રેમના ઊંડાણને ન અનુભવતો હોય એવું ન જ હોય,પણ ક્યારેક પાગલપન જરૂરી હોય છે.એ જતાવવું કે તમે કોઈના માટે કેટલા પ્યારા છો,કેટલા સ્પેશિઅલ છો એ તો ભગવાનના મંદિરમાં જઈને સેવા કરવા જેવું છે.કોઈને આવા પાગલવેડા જો નક્કામાં અને વેદિયાપણું લાગતું હોય તો એ એની ખામી છે,એને તમામ અસ્તિત્વથી ચાહતા વ્યક્તિની નહિ.
પણ,સામેની વ્યક્તિની ના ની અસર ગર્લ અને બોય બેય પર જુદી જુદી થાય છે.બોયને અને ગર્લને ફાળ તો એકસરખી જ પડે છે,પણ ગર્લને એ ના નો ભરોસો નથી પડતો.એ વારંવાર પેલાને પૂછ્યા કરે છે અને પેલો કંટાળીને ત્રાસીને એવા એવા શબ્દો કાઢે છે જે પેલીનું કાળજું ચીરતા જાય છે.અને છેવટે રડારોળથી દિલ તારતાર થઇ જાય છે.નતીજા,દિલ બ્રેક અને રીલેશન ભસ્મ.ઇનકારના કારણો કરતા એની અસર વધુ ધારદાર હોય છે.સામેવાળાની તડપ જાણ્યા વગર ઘસીને પાડી દેવાતી ના જાણે દિલમાં ખુંચતી કણીની માફક તડપાવ્યા કરે છે.એ રસ્તાઓ,એ સ્થળો જ્યાં જીવનની અમુલ્ય ક્ષણો પસાર કરી હોય એ બધું જ યાદ આવે છે.એના શબ્દો,એનો હુંફાળો સ્પર્શ,એણે આપેલા વાયદા,એણે આપેલી નાની નાની ગિફ્ટસ...આ બધું જ નજર સામે તરવરે છે અને તોય એ બધું જીરવ્યા સિવાય છૂટકો નથી.મન એને આઝાદ કરવા ઇચ્છતું હોય છે અને દિલ એને સંઘરવા.
આવી પરિસ્થિતિ મારા બે મિત્રો પર આવેલી છે.બેયના સંજોગો જુદા છે,પણ બેય એ અનુભવેલી આ એકલતા આજેય એમને ભીસી નાખે છે,દિલને ટુકડામાં વિખેરે છે.લાચાર દિલ અને ક્રૂર સંજોગો એ પ્રેમના કાયમી દોસ્તો છે,એ કાયમ હાજર જ હોવાના.જરૂર સાચા પાર્ટનર્સના સિલેકશનની છે.એમના દિલની વેદના ઘણા સમયથી મગજમાં વલોણાની જેમ ફરતી હતી.પીડા ન સહેવાઈ એટલે અહી કોગળો કરી નાંખ્યો. 


દોસ્તો,એમની જીવવાની રીત જોઇને આજેય એમને સલામ કરું છું કેમકે આટલી સ્વસ્થતા કદાચ હું પણ ન કલ્પી શકું.દિલભંગ એ કંઈ નાનીસુની વાત નથી.ઘાયલ કી ગત ઘાયલ જાને... 
  

Thursday, July 1, 2010

જયારે એક વાચક બને e_વાચક ૨૦૧૦ ...!!!

  e_વાચક ૨૦૧૦



આ બ્લોગ લખવા માટે પ્રેરણા મળેલી.અને જયારે " ગુજરાતી=મેગેઝીન,છાપા અને કોલમ " કોમ્યુનીટી જોઈન કરી ત્યારે વાંચન ખરા અર્થમાં કરવા મળ્યું.સામુરાઈ યોદ્ધાઓ,શાન્તીદુતો અને બીજા ઘણા લોકો સાથે સંપર્કમાં આવ્યા પછી એમ લાગ્યું છે કે સાલું મેં તો ખાલી ખાબોચિયાનું ટીપું જ ચાખ્યું છે.પોસ્ટ્સ ઉપર પોસ્ટ કરી,ગાંડા-ઘેલા ટોપિક પણ બનાવ્યા અને ઘણી ધમાલ મસ્તી પણ કરી.

અને ત્યાં જ આમંત્રણ મળ્યું.કોમ્યુનીટીના બીજા ઈ-મેગેઝીનના અંકમાં લખવાનું.પહેલા તો દિલ ધડક ધડક થઇ ગયું કે આહા,આ વખતે એવું લખશું કે છાકો પડી જાય...જો કે,દર્દ દિલમાં ઉઠે એની દવા સહેલી હોતી નથી એમ જ લખવાની પ્રોસેસમાં આવતી અડચણોની વ્યથા પહેલીવાર મહેસુસ કરી.ગમતા લેખકો ઉપર શું વિતતી હશે એ ખરા અર્થમાં ખબર પાડવા માંડી.ત્યાં નવું હર્ડલ આવ્યું.મને ડેન્ગ્યું થયો.એક તબક્કે એમ પણ થયું કે રજનીભાઈને ના પાડી દઉં,પણ તો આ મોકો ફરીવાર આવે કે ન આવે.લેટ્સ ડૂ ઈટ,જે થશે એ જોયું જશે.એમ કરીને લખ્યું.વિષય હતો "ગુજરાતી અખબારમાં કટારલેખન-માહિતીસભર કે જુનવાણી?"

રજનીભાઈનું બહુ માથું ખાધું આ વિષય ઉપર ચર્ચા કરીને કેમકે મારા માટે આ બહુ નવો સબ્જેક્ટ હતો.એ પછી કડાકૂટ આવી PDF માં કન્વર્ટ કરવાની.વળી રજનીભાઈ આગળ ઉધામા કરાવ્યા.એકવાર તો આખેઆખો લેખ જ આઉટલાઈનમાં જતો રહ્યો.પછી ફરીવાર લખ્યો,ફરીવાર કન્વર્ટ કર્યો અને સેન્ડ્યો.ખાલી રજનીભાઈ જ જાણે છે કે ફાઈનલ લેખ 104 ડીગ્રી તાવમાં લખાયો હતો.

પછી આવી રિલીઝની વેળા.રાતે બાર વાગે જાગીને જોયું.દિલથી સરસ બનાવ્યો હતો અંક.એટલા માટે નહિ કે મારો લેખ હતો ; પણ એટલા માટે કે ની:સ્વાર્થપણે કામ કરનારાઓ મારા અઝીઝ દોસ્તોમાંના હતા. .એટલે જ આપની સમક્ષ પેશ છે "e_વાચક-૨૦૧૦ "  અહી ક્લિક કરશો એટલે મેગેઝીન ખુલશે.