Wednesday, May 5, 2010

એક પત્ર – નાનીને નામ…


ડિયર નાની,

હા, હું હવે બોલતો અને લખતો થઇ ગયો છું.તમારી પણ એ જ ઇચ્છા હતી ને કે મને બોલતો સાંભળવો?કદાચ આ તમે વાંચી શકો..કમનસીબે, જીભ સિવાઇ ગઇ છે.આજે મને અને ઘરના બધાને તમારા સાથની જરૂર છે.એવા ઘણા રિલેશન તુટવા પર છે જે માત્ર તમારી જ હાજરીથી ફરી પાછા મહેકી શકે છે.આટલા વહેલા જવાની જરૂર જ નહોતી તમારે..હજી મારે ભગ્વદગીતાનો વિષાદયોગ અને જ્ઞાનયોગ શીખવાના બાકી હતા ત્યાં જ તમે જતા રહ્યા?એમ ન વિચાર્યું કે એ વગર આ હર્ષ કેમ ખુશ રહેશે કે રાખશે?તમારી ગેરહાજરી અત્યારે સૌથી વધુ કેમ સાલે છે એ ખબર છે?તમારો આ લાડકો અત્યારે મુંઝાયો છે કે કોને સમજાવવા-એને કે જે મારા પોતાના છે?કે એને જેને સત્યની પરખ નથી?સાથ બહેનનો દેવો કે મમ્મીનો એ જ ખબર પડ્તી નથી કેમકે બેય સાચા છે.બેય પોતાના બાળપણમાં અતિશય સંઘર્ષ વેઠીને આગળ આવ્યા છે.

માં વગર તો મામા કેમ જીવતા હશે એ પણ મને નથી ખબર…હા-તમારી ભાવતી સાકરટેટી તમારા ગયા પછી એ ત્યજી ચુક્યા છે.તમારો વહાલો હાદુ આજે નાના ના નામને સાર્થક કરીને ડોક્ટર બન્યો છે અને તમારી પ્રતિક્રુતિ જેવી કુકી અને કકુ બેય તમારા અણમોલ સંસ્કાર-વારસાના પ્રતિનીધિઓ બની ચુક્યા છે.

તમે જ શિખવ્યું છે ને કે કોઇ પરનો ઉપકાર યાદ ન રાખવો ને કોઇએ આપેલા દુ:ખ પ્રભુની પ્રસાદી માનીને લઇ લેવા?આજે જ્યારે આપણા સંઘર્ષના દિવસો મમ્મી યાદ કરે છે ત્યારે એને જેટલા આંસુ આવે છે એટલા જ હુંય વહાવું છું.પણ પછી મનને કાઠું કરી લઉં છું કે હું ખળભળીશ તો આ બધાને કોણ હિંમત બંધાવશે?આજે જ્યારે મમ્મી હાદુ-કુકી કે બીજા તમામ ભાંડરડાઓની ચિંતામાં રાતોની રાતો ઉંઘતી નથી ત્યારે ચુપચાપ કાઢેલા એના ડુસકા હું સાંભળું છું અને તરફડું છું…કેમ ભગવાને આવી સજા આપી અમને?કે પછી જેમ એક પંખી એના બચ્ચાઓને ઉડતા શિખાય એ માટે માળામાંથી નીચે ફેંકી દે એમ તમે પણ અચાનક અમને મુકીને ભરઉંઘમાં ચાલી નીકળ્યા!!!ઇવન તમે એ પણ ન જોયું કે નાનાજી તમારા વગર કેટલા પાંગળા બની ગયા અને છેવટે એ પણ….
ભાગવતાચાર્ય પિતાનો વારસો તમે જીવી બતાવ્યો છે અને અમે એ જોયો…આજે દુનિયા અમને બધા ભાંડરડાઓને એક્જૂટ જુએ છે એ તમારા જ ઉછેરનું પરિણામ છે.આજે લેપટોપ તો છે પણ મન જ્યાં હળવું થઇને છુટ્ટા મોં એ રડવાની ઇચ્છા કરે છે એવો “ખોળો(લેપ)” નથી.સંબંધોમાં આવતા તનાવને હળવા કરી વ્યવહારૂં ઉકેલ લાવે એવી કોઠાસુઝ નથી.વહુ-દિકરીઓને “તું ચિંતા ન કરતી-હું બેઠી છું” એવું કહેનાર વિરાટ વ્યક્તિત્વ નથી.હરી-એવું લાડભર્યુ ક્રુષ્ણનું નામ આપતી વખતે જ તમે કદાચ મને તમારી ક્રુષ્ણભક્તિની ભેટ આપી જેનું મુલ્ય જિંદગીના દરેક ક્ષણે સમજાતું જાય છે.હવે સમજાય છે કે હું જેને ક્રુષ્ણની પ્રેરણા સમજતો જતો એ તમારા આપેલા વારસારૂપે મળેલી પ્રસાદી છે.કદાચ એટલે જ મારો જન્મ ક્રુષ્ણની જેમ બધાની અપેક્ષાઓ વિરૂધ્ધ થયો હતો.જેને તમે ઓળખી ગયા.

મામાની જોબ ગઇ એ વખતે જ પોતાનાઓએ સાથ છોડ્યો ત્યારે દર્દ તો તમનેય થયું જ હશે ને?કઇ માં દિકરાને ઘેર બેઠેલો જોઇ શકે?આજે ઘણા પ્રષ્નોના જવાબ અધુરા છે.તમારા વગર એ નહીં ઉકલે.તમારા દરેક વહાલાઓ આજે તમારી ગેરહાજરી હોવા છતાંય મામાને ત્યાં જ ભેગા થાય છે ને તમારી આત્મારૂપી એ ઘરમાં રાહત અનુભવે છે.મામા-મામી,હાદુ-કુકી,માસી,બધાંય મને અને તમારી દિકીને દિલ દઇને સાચવે છે,મોસાળ ખરા અર્થમાં માણું છું…પણ,આજે તોય કશુંક ખુટે છે…પ્લિઝ નાની, ફોટામાંથી બહાર આવી જાવ….હવે હું ટુંકો પડું છુ…તાકાત-પ્રાર્થનાઓ-સત્યનું બળ ખુટવા આવ્યું છે…આઇ નીડ યુ…મમ્મી-મામા-માસી ઓલ નીડ યુ….

લિ.તમારો હરી….

No comments:

Post a Comment