Wednesday, May 5, 2010

અપેક્ષા – દિલ અને દિમાગના છોતરા કાઢતી રણભૂમિ


જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે;
છે એક સમંદર થયું એટલે શું,
જુદા છે મુસાફર જહાજે જહાજે…
— મનુભાઇ ત્રિવેદી “ ગાફિલ “

માનવ સ્વભાવ થોડોક વિચિત્ર છે.એ એવી જ વસ્તુઓ પાછળ જશે કે જે માટે એને બેહિસાબ મહેનત કરવાની થાય.ખરેખર તો એ ઉત્ક્રાંતીનું ચિહ્ન છે.પહેલા આપણા પુર્વજો જે લડાઇઓ લડીને કોઇ વસ્તુ પામતા એ જ હવે અથાક મહેનતમાં પરીવર્તિત થઇ છે.અને એ સારી વસ્તુ છે.પરિશ્રમ વગર એકેય વસ્તુની કિંમત સમજાય નહીં.પણ અહીં વાત છે મનની એ ઇચ્છાની,એ ઝંખનાની,એ ધધકની,જે માનવીને સતત કોઇ વણચિંધેલા માર્ગ પર દોડતો રાખે છે.એ શું કામ દોડે છે એ કદાચ એનેય નહીં ખબર હોય.(એ કોને ડાર્ક નાઇટ યાદ આવી?)

અર્જુનને એવી મનસા હોય કે વાસુદેવ એની સાથે રહે,દ્રૌપદીને એમ હોય કે કાનો મને બચાવે,રાધાને,મીરાને એમ થાય કે ક્રુષ્ણ એમના જ થાય….આ બધાને જે આ “થાય છે” એ અપેક્ષા છે.સામાન્ય માણસ પર આવીએ તો એ બહુ વિશાળ અર્થમાં વપરાય છે.ક્યારેક પ્રમોશન તો ક્યારેક પુત્ર…ક્યારેક સ્વજનો તો ક્યારેક સ્વાર્થ… ક્યારેક કલીગ્સ તો ક્યારેક કૂકર્મો…ક્યારેક મમ્મી તો ક્યારેક માશૂકા…આ બધા પાસેથી માણસ કોઇકને કોઇક પ્રકારે અનેક જાતની અપેક્ષાઓ રાખતો-રખાવતો હોય છે.ક્યારેક એ જાહેર કરતો રહે છે તો ક્યારેક મનમાંને મનમાં એ પુરા કરવા માટે તિખારા ઉડાડતો રહે છે.વળી જાતને તો પોતાની મર્યાદાઓ ખબર હોય એટલે ઔર ધુંધવાય છે.આ ધુંધવાટની સીધી અસર આજુબાજુના વાતાવરણ પર થાય છે.જો કોઇ છંછેડે તો અકળામણ ધડાકાભેર બહાર આવે છે જેનું પરિણામ કાં તો ઘરના અને કાં મિત્રો ભોગવતા રહે છે.વસ્તુ એ છે કે તોય મુશ્કેલીનું કોઇ નિરાકરણ નથી આવતું.જેને લીધે આ દુષ્ચક્ર ચાલું રહે છે.અને જો ધુંધવાટ મનમાં રહે તો રોગો હાઉક્લી કરીને પાછલા બારણેથી આવી જાય છે.

વ્યક્તિ જન્મે એ પહેલાથી અપેક્ષાઓ સાથે ને સાથે આવે છે.શું આવશે?દિકરો કે દિકરી?થોડા મોટા થાય એટલે માર્ક્સનો અજગર ભરડો લે છે.કઇ લાઇન લેશું?લાઇન લઇએ એટલે પર્ફોરમન્સની રામાયણ…અંત નથી…દરેક તબક્કે અપેક્ષા બ્લેક હોલની જેમ વ્યક્તિને ગળી જવા તૈયાર જ હોય છે.હું એવું તે શું કરું કે જેથી મને સારામાં સારું વળતર મળે? આ સવાલ સનાતન છે.જન્મથી માંડીને જશ્ન સુધી અને કામથી માંડીને કર્તવ્યો સુધી માણસ હંમેશા પોતાને આ પ્રશ્ન પુછતો આવ્યો છે.તોય કેમ આ અપેક્ષા એને કાયમ જળોની જેમ ચોંટીને સતત જીવને હલબલાવ્યા કરે છે?આ સવાલનો જવાબ શોધવો સહેલો નથી.કેમકે એની સાથે અંદરથી વિશ્વાસની નીવ હલી જાય એટલું દર્દ,ચિરાયેલા સ્વપ્નાઓ,તુટેલા ભરોસા ને એવું ઘણુંબધું જોડાયેલું છે.સાથે જ જોડાયા હોય છે દિલના વક્ત-બેવક્તના ફુંફાડાઓ,સ્વજનોના બેમતલબ ધોખા,એમનું કોઇ સાંભળતું નથી એવી કાગારોળ અને પ્રિયજનની આશાભરી નજરો…

તો પછી પીછો કેવી રીતે છોડાવવો આ અપેક્ષાથી?જો કે એક વસ્તુ એ પણ છે કે તમે અખૂટ તાકાતના માલિક છો જે આવા રોજિંદા પ્રશ્નોની સાથે બાથ ભીડવવા માટે સક્ષમ છે.બસ જરૂર માત્ર એને ઓળખી લેવાની છે…કઇ રીતે?અરે મિત્ર એ જુઓ કે દુનિયા કેટલી હસીન છે?અરે એક ચક્કર દરિયાકીનારે મારો ને જુઓ કે દરિયો આવો ક્યારે જોયેલો?ક્યારે પ્રિયજનનો હાથ હાથમાં લઇને એક્બીજાની આંખોમાં ખોવાયા હતા?યાદ કરો એ સફર,જ્યારે એક્બીજા યારો જોડે ધમ્માલ કરતા કરતા બસ ગજવી હતી,એ યાદ કરો કે ક્યારે કોઇ ફુલ શું નાનું ભુલકું તમારા ગાલને નાનકડી બચ્ચી કરીને ભાગ્યું હતું….

દોસ્ત,અપેક્ષાઓ અને એષણાઓનો જીવન સાથે નાળ-સંબંધ છે.એને અવગણી નહીં શકાય.એટલે આવી સમયને હાઉકલી કરીને ચોરેલી-મેળવેલી ક્ષણો જ એ અપેક્ષાઓ સામે લડવાનું બળ આપે છે.જિંદગી ખરેખર બહુ સરસ ફિલ્મ છે.દર અઠવાડિયે બસ ટીકિટ ફડાવ્યા કરજો…

No comments:

Post a Comment